વાપી પાસે બે કાર આમને સામને અથડાઈ, કરણી સેનાના અધ્યક્ષનું મોત, કાર્યકરોએ મચાવ્યો હોબાળો

ગુજરાત સમેત દેશભરમાં ચોમાસાનું અગામન થઇ ગયું છે અને ઠેર ઠેર ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે, આ વરસાદની અંદર રસ્તાની હાલત વધુ ખરાબ થતી હોય છે અને ચોમાસામાં અકસ્માતના ઘણા બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે હાલ એવા એક કમકમાટી ભરેલા અકસ્માતની અંદર કરણી સેનાના અધ્યક્ષનું મોત નિપજતા કાર્યકરોએ મોટો હોબાળો મચાવ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાપી પાસેના અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર પડી ગયેલા ખાડાના કારણે બે કાર આમને સામને ટકરાતા કરણી સેનાના દમણ અધ્યક્ષનું દુઃખદ મોત નીપજ્યું હતું. જેના કારણે રોષે ભરાયેલા કરણી સેનાના કાર્યકરો બગવાડા ટોલનાકા ઉપર હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત કાર્યકરોએ આગામી 10 દિવસમાં હાઇવે ઉપર પડેલા ખાડા ઉપરવા માટે ટોલનાકાના સત્તાધીશોને રજુઆત કરીને આવેદન પત્ર પણ આપ્યું હતું.

આ ઉપરાંત કાર્યકરો દ્વારા જો ખાડા નહીં પુરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ હોબાળો એ હદ સુધી પહોંચી ગયો હતો કે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ ઉપર પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. કરણી સેનાના કાર્યકરોએ થોડા સમય સુધી ટોલનાકા પર ટોલ ટેક્સ ઉઘરાવવાનો પણ બંધ કરાવ્યો હતો.

ઘટનાની વિગત જોઈએ તો બે દિવસ પહેલા કરણી સેનાના દમણના અધ્યક્ષ અને વલસાડના અધ્યક્ષ સહિત કરણી સેનાના 5 હોદ્દેદારો વલસાડમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રાજપૂત સમાજની વ્યક્તિના ખબર અંતર પૂછવા અને મદદ કરવા વલસાડ આવી રહ્યાં હતા. ત્યારે આ દરમિયાન બલીઠા બ્રિજ ઉપર પડેલા ખાડાઓને લઈને કાર ઉપર કાબુ ન રહેતા તેમની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતની અંદર કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું નિધન થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વલસાડ જિલ્લાના અધ્યક્ષ આલોકસિંહ સહિત અન્ય વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Niraj Patel