કપિલ શર્મા શોમાં ગેસ્ટ બનીને પહોંચ્યા સ્મૃતિ ઇરાની, ગાર્ડે ન જવા દીધા અંદર, સેટ પર મચી ગઇ અફરા-તફરી

ટીવી અભિનેત્રીમાંથી રાજનેતા બનેલ સ્મૃતિ ઈરાની “ધ કપિલ શર્મા શો”માં ગેસ્ટ તરીકે આવવાની હતી પરંતુ હવે એવું થશે નહીં. સ્મૃતિ ઇરાની શૂટિંગ કર્યા વિના જ પરત ફર્યા છે. સ્મૃતિ ઈરાની તેમના પુસ્તક ‘લાલ સલામ’ના પ્રમોશન માટે અહીં આવવાના હતા પરંતુ ગાર્ડે તેમને અંદર જવા દીધા ન હતા. આખરે સ્મૃતિ ઈરાનીને શુટિંગ કર્યા વગર જ પરત ફરવું પડ્યું. મીડિયા રીપોર્ટ અનુસાર, જ્યારે કેન્દ્રીય મંત્રી શૂટિંગ માટે ગેટ પાસે પહોંચ્યા ત્યારે ત્યાંના સુરક્ષા ગાર્ડ અણ્ણા તેમને ઓળખી શક્યા ન હતા.

સ્મૃતિ ઇરાની તેને કહે છે કે તેને સેટ પર એપિસોડ શૂટ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, તે આ શોના સ્પેશિયલ ગેસ્ટ છે. આના પર ગાર્ડે કહ્યું, ‘અમને કોઈ ઓર્ડર મળ્યો નથી, માફ કરશો મેડમ, તમે અંદર નહિ જઈ શકો.’ કપિલ શર્માના શોમાં ઘણા સેલેબ્સ તેમની ફિલ્મોના પ્રમોશન માટે આવતા રહે છે. આગામી એપિસોડમાં અભિનેત્રી મંત્રી સ્મૃતિ ઈરાની તેના પુસ્તક ‘લાલ સલામ’ના પ્રમોશન માટે આવવાના હતા. જો કે તેમનું આગમન હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે.

ટેલીચક્કરના અહેવાલ મુજબ, કપિલ શર્મા અને સ્મૃતિ ઈરાનીને પણ આ વાતની જાણ નહોતી. આ સમગ્ર મામલો ડ્રાઇવર અને ગેટકીપર વચ્ચે થયો હતો. જેના કારણે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું. દૈનિક ભાસ્કરના રીપોર્ટ અનુસાર, ત્યાં હાજર સૂત્રોએ જણાવ્યું છે કે સ્મૃતિ ઈરાની ડ્રાઈવર અને બે લોકો સાથે કપિલ શર્માના સેટ પર શૂટિંગ કરવા ગઈ હતી. ગેટ પરના ગાર્ડે તેને ઓળખ્યો નહીં અને અંદર જવાની ના પાડી. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમને શૂટ માટે બોલાવવામાં આવ્યા છે.

ત્યારે તેણે જવાબ આપ્યો કે તેને આવો કોઈ ઓર્ડર મળ્યો નથી. તેથી જ તે અંદર જઈ શકશે નહિ. ત્યારબાદ ફૂડ ડિલિવરી કરનાર ત્યાં પહોંચ્યો, ગાર્ડે તેને રોક્યો નહીં અને તે પૂછ્યા વગર અંદર ગયો. આ જોઈને સ્મૃતિ ઈરાનીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ.

જણાવી દઇએ કે, તાજેતરમાં સ્મૃતિ ઈરાનીએ ઘણું વજન ઘટાડ્યું છે. ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ધારાવાહિકથી લોકપ્રિયતા મેળવનાર સ્મૃતિ ઈરાની હવે એકદમ સ્લિમ થઈ ગયા છે. તેમની પહેલા અને પછીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ એકતા કપૂરના શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં ‘તુલસી’નું પાત્ર ભજવ્યું હતું. આ એક શોએ સ્મૃતિને ટીવીની દુનિયામાં ઘણો પ્રેમ અને ઓળખ આપી. તે સમયથી એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની પણ મિત્રો બની ગયા હતા. સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર હંમેશા એકબીજા માટે ઉભા રહ્યા છે. બંને ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળે છે. એટલું જ નહીં, ઈન્ડસ્ટ્રીના લોકો પણ સ્મૃતિ ઈરાનીની પોસ્ટ પર કમેન્ટ કરતા હોય છે.

Shah Jina