હોસ્પિટલમાં ભરતી થયેલા બાબા કા ઢાબાના કાંતા પ્રસાદ આવ્યા ઘરે, પોલીસને જણાવ્યું આપઘાતનું કારણ

સોશિયલ મીડિયા દ્વારા રાતો રાત ફેમસ થઇ જનાર બાબા કા ઢાબા છેલ્લા થોડા સમયથી ખુબ જ ચર્ચામાં છે. બાબા કા ઢાબાના મલિક કાંતા પ્રસાદે શરૂ કરેલું નવું રેસ્ટોરન્ટ પણ થોડા જ સમયમાં બંધ કરીને તે પોતાના જુના ઢાબા ઉપર પરત ફર્યા હતા. જેના બાદ ખબર આવી રહી હતી કે કાંતા પ્રસાદે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હવે તે હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા છે.

બાબા કા ઢાબાના કાંતા પ્રસાદ શુક્રવારના રોજ હોસ્પિટલમાંથી સારા થઇ અને ઘરે આવી ગયા છે. તેમને આપઘાતનો પ્રયાસ  કર્યો હતો, જેના બાદ તેમને ફિલિની સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે હવે ડોકટરોનું કહેવું છે કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા છે.

17 જૂનના રોજ કાંતા પ્રસાદે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. જેના બાદ બેભાન અવસ્થામાં સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. કાંતા પ્રસાદની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલથી ઠીક થયા બાદ કાંતા પ્રસાદે કેટલાક યુટ્યુબર ઉપર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસને આપેલા નિવેદનમાં તેમને જણાવ્યું કે તેમને યુટ્યુબ ચેનલથી જોડાયેલા કેટલાક લોકો હેરાન કરી રહ્યા છે. જેના કારણે તે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. તેમની ઉપર વારંવાર યુટ્યુબર ગૌરવ વાસનની માફી માંગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આ મામલાની અંદર પોલીસે કોઈ એફઆઈઆરતો નથી નોંધી પરંતુ પોલીસ ઓફીસરોનું કહેવું છે કે કાંતા પ્રસાદના નિવેદન બાદ પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે એ ક્યાં લોકો હતા જે બાબાને હેરાન કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે યુટ્યુબર ગૌરવ વાસને ગયા વર્ષે બાબા કા ઢાબાનો એક વીડિયો પોતાના યુટ્યુબ ઉપર પોસ્ટ કર્યો હતો, જેના બાદ બાબા કા ઢાબાને લોકોનો ખુબ જ સપોર્ટ અને મદદ પણ મળી હતી, જેમાંથી બાબાએ એક નવું રેસ્ટોરન્ટ પણ શરૂ કર્યું હતું. આ ઉપરાંત બાબાએ ગૌરવ વાસન ઉપર પૈસા પડાવવાનો આરોપ પણ લગાવ્યો હતો, પરંતુ થોડા સમય પહેલા જ બાબા નવું રેસ્ટોરન્ટ બંધ કરી અને જૂના ઢાબા ઉપર પરત આવ્યા હતા અને તેમને ગૌરવ વાસનની માફી પણ માંગી હતી.

Niraj Patel