ઘણા લોકો બોલિવૂડમાં પોતાનું નસીબ બનાવવા માટે આવે છે. પરંતુ માત્ર થોડા જ લોકો ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થાય છે. આ સ્ટ્રગલર્સમાંથી એક કૃતિકા ચૌધરી હતી. કૃતિકા ચૌધરીએ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ રજ્જોમાં કંગના રનૌતની મિત્રની ભૂમિકા ભજવી હતી. તે ક્રાઈમ સિરિયલ ‘સાવધાન ઈન્ડિયા’ સહિત બાલાજી પ્રોડક્શનની ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી હતી. પરંતુ કોને ખબર હતી કે એક દિવસ તેની નિર્દયતાપૂર્વત હત્યા થઇ જશે.
કૃતિકાની તેના જ ઘરમાં ઘૂસીને હત્યારાઓએ હત્યા કરી દીધી હતી. પોલીસને કૃતિકાની લાશ તેના ફ્લેટમાંથી મળી આવી હતી. તે ઘરમાં એકલી રહેતી હતી. ફ્લેટમાંથી અચાનક દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. એવું કહેવાઇ રહ્યુ હતુ કે કૃતિકાની હત્યા સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કૃતિકાનો મૃતદેહ સડી ગયો હતો. રૂમનું એસી ચાલુ મૂકવામાં આવ્યુ હતુ કારણ કે મૃતદેહની દુર્ગંધ બહાર ન આવે.
હત્યા બાદ કૃતિકાની લાશ ત્રણ-ચાર દિવસ સુધી સડતી રહી. જેના કારણે મૃતદેહમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. કૃતિકાની હત્યાનું રહસ્ય ઉકેલવું એ મુંબઈ પોલીસ માટે એક મોટો પડકાર હતો કારણ કે બંધ દરવાજા પાછળ શું થયું તેની કોઈને ખબર નહોતી. આ માટે ક્રાઈમ બ્રાન્ચની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી હતી. સીસીટીવી તપાસ્યા બાદ અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી અને તે બાદ પોલિસે આ કેસમાં બે લોકોની અટકાયત કરી.
આ પછી આ કેસનો ભેદ ઉકેલાયો, હત્યાના બે આરોપીઓ શકીલ નસીમ અને વાસુદાસે પોલીસને જણાવ્યું હતું કે 6000 રૂપિયાના વિવાદમાં તેમણે કૃતિકાની હત્યા કરી હતી. કૃતિકાની હત્યા પાંચ આંગળીઓમાં પહેરાતા ધારદાર પંજા વડે હત્યા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે હત્યાનું હથિયાર પણ કબજે કર્યું હતું.
કૃતિકાનું ડ્રગ્સ સાથે સંબંધિત લોકો જોડે ઉઠવા-બેઠવાનું હતુ. આ બાબતે કૃતિકાનો તેમની સાથે ઝઘડો થયો હતો અને મામલો ઉકેલવાના બહાને બંને 12 જૂનની રાત્રે તેના ઘરે પહોંચ્યા અને કૃતિકાને 6,000 રૂપિયા ચૂકવવાનું કહ્યું. ક્રુતિકાએ ડિમોનેટાઈઝેશનનું બહાનું બનાવીને પૈસા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ દરમિયાન વિવાદ વધી ગયો અને એક વ્યક્તિએ કૃતિકા પર તેના હાથમાં પહેરેલ નકલથી હુમલો કર્યો, જેના કારણે તેનું મોત થયું.
કૃતિકા બાળપણથી જ બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે તેના માતા-પિતા પાસે દિલ્હી આવવા અને અભિનયનો કોર્સ કરવા માટે પરવાનગી માંગી. પરંતુ કૃતિકાના માતા-પિતાએ કાસ્ટિંગ કાઉચના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હતા. આથી તેઓ ડરી ગયા હતા. આખરે કૃતિકાના માતા-પિતાની આશંકા સાચી સાબિત થઈ. કોણ જાણતું હતું કે મોટી હિરોઈન બનવાનું સપનું જોનાર કૃતિકાની આટલી ક્રૂરતાથી હત્યા કરવામાં આવશે. કૃતિકાનું મોત માત્ર 24 વર્ષની ઉંમરે થયુ હતુ.