આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ દાહેર થયુ, વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ 17,581 મતોથી ભવ્ય વિજય નોંધાવ્યો. કુલ 21 રાઉન્ડની મતગણતરીમાં AAPને 75,906, ભાજપને 58,325 અને કોંગ્રેસને માત્ર 5,491 મત મળ્યા હતા. ગોપાલ ઇટાલિયાને આશરે 51% મત મળ્યા છે, જે મહત્ત્વપૂર્ણ જીત દર્શાવે છે.
આ જીત એ માત્ર આમ આદમી પાર્ટીની સફળતા નથી, પરંતુ ગોપાલ ઇટાલિયાની વ્યક્તિગત લોકપ્રિયતાનો પણ નમૂનો છે. ચૂંટણી પહેલા ભાજપે આ બેઠક માટે તમામ શક્તિ લગાવી હતી, છતાં ઇટાલિયાની જીતે પક્ષને એક નવી ઊંચાઈ આપી છે. વિસાવદર એવી બેઠક રહી છે જ્યાં પહેલા કોંગ્રેસ મજબૂત રહી અને ત્યારબાદ AAPનો ઊભરો થયો.
ગોપાલ ઇટાલિયાની જીત પાર્ટી માટે નવી આશાઓ જગાવે છે. મહેસાણાની મેવડ એન.જી. કોલેજમાં આજે સવારે 8 વાગ્યાથી કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતગણતરીનો પ્રારંભ થયો હતો. શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આગળ ચાલતા દેખાયા અને તેઓએ જીત પણ મેળવી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કરસન સોલંકી એ બેઠક પરથી ચૂંટાયા હતા, પરંતુ તેમના અવસાન પછી બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી.
અગાઉ 2017માં કપરા સમયમાં કરસન સોલંકી અહીંથી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. પુનઃસીમાંકન પછી આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત થઈ હતી, જે પહેલા નીતિન પટેલનું મજબૂત ક્ષેત્ર ગણાતું હતું.ભાજપે આ વખતે જોટાણા વતની અને 1980થી ભાજપના સક્રિય સભ્ય રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી હતી. વર્ષ 1985માં પહેલી વખત જોટાણા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો.