edit અમદાવાદઃ પ્રેમીને પામવા યુવતી એકલી રેલવે સ્ટેશન પર જ્યોતિષને ગુજરાતમાંથી ઘણીવાર ઠગાઇની ઘટનાઓ સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી જેમાં એક જ્યોતિષે વિધિ કરવાના બહાને યુવતિને વિશ્વાસમાં લઈને તેની સાથે ઠગાઈ કરી. વિધિના નામે જ્યોતિષે 80 હજારના સોનાના દાગીના પડાવી લીધા અને ફરાર થઈ ગયો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવતીએ ઈન્સ્ટાગ્રામ પરથી જ્યોતિષ સાથે મુલાકાત કરી અને પોતાના પર આવી પડેલી મુશ્કેલીનું સમાધાન લાવવા માટે સંપર્ક કર્યો. પણ જ્યોતિષ કતો ઠગ નીકળ્યો અને તેણે વિધિ કરવાની વાત કરીને સોનાના દાગીના પડાવી લીધા.
21 વર્ષીય યુવતી સાબરમતીમાં પરિવાર સાથે રહે છે, તે દવાની કંપનીમાં સેલ્સનું કામ કરે છે અને સાથે અભ્યાસ પણ કરે છે. ત્યારે યુવતિને પોતાની જ કંપનીમાં નોકરી કરતા યુવક સાથે પરિચય થયો અને પછી બંને વચ્ચે મિત્રતા થઇ. તે બાદ બંનેની મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી અને પછી અવાર-નવાર એકબીજાને મળતા અને વાતચીત કરતા. જો કે, કોઇ કારણસર બંને વચ્ચે મનદુઃખ થતા બ્રેકઅપ થયું, પણ યુવતી યુવકને ખુબ પ્રેમ કરતી હોવાને કારણે તે પ્રેમી સાથે વાત કરવા માંગતી હતી.
ત્યારે તેનો પરિચય એકાદ મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ પર જ્યોતિષ રાણાભાઇ સાથે થયો અને આ જ્યોતિષે મોબાઇલ નંબર આપી શાસ્ત્રીનગર રહેતો હોવાનું જણાવ્યુ. જ્યોતિષે યુવતીને વિશ્વાસમાં લઇ જણાવ્યું કે, તમારે બધું સારું કરવું હોય તો સોનાની વસ્તુમાં વિધિ કરવી પડશે. જો કે, પ્રેમને પામવા યુવતી જ્યોતિષની વાતોમાં આવી ગઈ અને તે વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગઈ. આરોપી જ્યોતિષ રાણાભાઇએ અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનની સામે ફોન કરી યુવતીને બોલાવી અને આ દરમિયાન યુવતી એકલી ગઈ હતી.
જે બાદ જ્યોતિષે વિધિ કરવાના નામે યુવતિને વિશ્વાસમાં લઇ તેની પાસેથી સોનાનુ હાથમાં પહેરવાનુ બ્રેસ્લેટ તથા લક્કી અને સોનાની ચેન મળીને 80 હજાર રૂપિયાના દાગીના લીધા અને એક કલાકની વિધિ કરવાની વાત કરી. જો કે, એકાદ કલાકમાં વિધિ પૂર્ણ કરી તેણે યુવતિના દાગીના પરત આપવાની વાત કરી હતી પણ પછી આ જ્યોતિષ પરત ન આવતા યુવતીએ ફોન કર્યો અને ત્યારે તેણે એવું કહ્યુ કે હાલમાં વિધિ ચાલુ છે અને વિધિ પૂરી થશે ત્યારે દાગીના પરત આપી દઈશ. જો કે, સોનાના દાગીના પરત ન આપ્યા પછી આખરે યુવતીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઇ અને તે બાદ તેણે આ મામલે પોલિસ ફરિયાદ નોંધાવી.