ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં જુનાગઢના મેંદરડા રોડ ખાતેથી એક અકસ્માતની ખબર સામે આવી છે. એક પુરપાટ ઝડપે જતી કારના ચાલકે બાઈક પર જતા ભાજપના જુનાગઢના વોર્ડ નંબર 7ના પ્રમુખને જોરદાર ટક્કર મારી હતી અને પછી તે ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો. જો કે, આ અકસ્માતમાં BJP નેતાનું મોત થયુ છે.
ગુરુવારે સાંજે મેંદરડા રોડ પર અકસ્માત થયો હતો અને તેજ ગતિથી જતી કારે બાઈકને ટક્કર મારી અને પછી કારચાલક ફરાર થઇ ગયો. પોલીસ ઘટનાની જાણ થતા તાત્કાલિક દોડી ગઇ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક ભાજપ નેતાની લાશને પીએમ માટે પણ ખસેડી હતી. હવે પોલિસે કારચાલકને પકડવાની તજવીજ શરૂ કરી છે. મૃતક પ્રકાશ ગજેરા ભાજપના વોર્ડ નંબર 7ના પ્રમુખ હતા.
તેઓ ગુરુવારે સાંજે મેંદરડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ એક તેજ ગતિથી આવી રહેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારી અને તે બાદ તેઓ નીચે પટકાયા. ટક્કર એટલી જોરદાર હતી કે તેમનું સ્થળ પર જ મોત થયુ હતું. જો કે, અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મૃતક પ્રકાશ ગજેરાના ભાઈએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે અચાનક પ્રકાશ ગજેરાના મોતને લઈને ભાજપના સમર્થકો અને કાર્યકરોમાં શોકની લાગણી વ્પાપી ગઇ છે.