છેલ્લા બે વર્ષોથી કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર ઘણી એવી અસર પડી છે. ત્યારે હાલમાં જ હજી તો ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઇ છે. ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના આપઘાત અને હાર્ટ એટેક આવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. જે બાદ ફરી એકવાર વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થવાની ચિંતામાં જીવનનું અંતિમ અને ખૌફનાક આપઘાત જેવું પગલુ ભરી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ પેપર નબળા જતા આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.

ગુજરાતના જૂનાગઢના માણાવદરમાં રહેતી અને ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીએ પરીક્ષાનું છેલ્લું પેપર નબળું જતા નાપાસ થવાની બીકે આપધાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી પ્રિયાની બે દિવસ પહેલા જ ધોરણ 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ હતી અને ત્યારે તેનું અંતિમ પેપર નબળુ જતા નાપાસ થવાની બીક રાખી અને પરીક્ષામાં સારા માર્ક્સ નહિ આવે તેની ચિંતામાં ગઇકાલના રોજ ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ.

આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે, આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વિદ્યાર્થીનીનો મૃતદહે પીએમ માટે મોકલી આપ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હજી તો તાજેતરમાં જ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ છે અને તે બાદથી અત્યાર સુધીમાં 4 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નાપાસ થવાની બીકે આપઘાત કરી લેવાની ઘટના સામે આવતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઈ છે.