પોતાની પહેલી જ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ધાકડ બેટિંગ કરનારો આ ખેલાડી ક્યારેક કરતો હતો ઝાડુ મારવાનું કામ, આજે છે IPLનો સ્ટાર

હાલ દેશભરમાં IPLનો માહોલ છવાયેલો છે, અને ક્રિકેટ રસિયાઓ માટે આ દિવાળી જેવો માહોલ છે. IPLમાં ઘણા લોકોની કિસ્મત બદલાઈ ગઈ હ્ચે, ઘણા એવા ક્રિકેટરોની કહાની પણ સામે આવી છે, જેમને બહુ જ ગરીબીમાંથી આવી આને પોતાનું નામ બનાવ્યું છે, ઘણા ક્રિકેટરો IPLમાં ઝળક્યા અને આજે ઇન્ડિયન ટીમમાં પણ સ્થાન મેળવી લીધું છે. ત્યારે હાલ એક યુવા ખેલાડીની કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે.

હાલ કોલકાતા નાઈટ રાઈડર્સનો બેટ્સમેન રિંકુ સિંહ ઘણો ચર્ચામાં છે. શનિવારે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રિંકુને પ્લેઇંગ ઇલેવનમાં ભાગ લેવાની તક મળી. રિંકુએ સિઝનની પહેલી જ મેચમાં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા.

પહેલા રિંકુ સિંહે શાનદાર ફિલ્ડિંગ કરતી વખતે ચાર કેચ લીધા, જેમાંથી ત્રણ કેચ છેલ્લી ઓવરમાં લીધા. ફિલ્ડિંગ બાદ રિંકુ સિંહે 35 રનની ઉપયોગી ઇનિંગ રમી જેમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જો કે તેમ છતાં કોલકાતાને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2022ની મેગા ઓક્શનમાં KKRએ રીન્કુ સિંહને 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા પણ રિંકુ સિંહ KKR ટીમનો ભાગ હતો. તો ચાલો જાણીએ કોણ છે રિંકુ સિંહ? શું છે રિંકુ સિંહની બેકગ્રાઉન્ડ સ્ટોરી? ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં શાનદાર બેટિંગ કર્યા બાદ દર્શકો પણ જાણવા માંગે છે કે રીન્કુ સિંહ ક્યાંથી આવે છે ?

ઉત્તર પ્રદેશના અલીગઢમાં જન્મેલા રિંકુ સિંહનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. રિંકુ સિંહ 5 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. રિંકુના પિતા ઘરે-ઘરે સિલિન્ડરની ડિલિવરી કરતા હતા. રિંકુ સિંહને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ હતો પરંતુ આર્થિક તંગીના કારણે તેમના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે ક્રિકેટનો શોખ તેમનાથી દૂર થઈ ગયો હતો.

રિંકુ સિંહનો એક ભાઈ ઓટો રિક્ષા ચલાવતો હતો, જ્યારે તેનો બીજો ભાઈ કોચિંગ સેન્ટરમાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. રિંકુ સિંહ 9મું નાપાસ છે, સારું ભણેલા ન હોવાને કારણે તેને નોકરી પણ મળતી ન હતી. જ્યારે રિંકુએ તેના ભાઈ પાસેથી નોકરી મેળવવાની વાત કરી તો તેનો ભાઈ તેને જ્યાં લઈ ગયો ત્યાં તેને ઝાડુ મારવાની નોકરી મળી હતી.

તે સમયે રિંકુ સિંહને ખબર પડી કે જો કોઈ તેની જિંદગી બદલી શકે છે તો તે માત્ર અને માત્ર ક્રિકેટ છે. રિંકુ સિંહે ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું મન બનાવ્યું અને જ્યારે તેને દિલ્હીમાં રમાયેલી ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ સિરીઝ તરીકે મોટરબાઈક મળી, ત્યારે તેણે આ મોટરબાઈક તેના પિતાને સિલિન્ડરની ડિલિવરી માટે આપી.

રિંકુની મહેનતનું ફળ ત્યારે મળ્યું જ્યારે વર્ષ 2014માં તેને ઉત્તર પ્રદેશ માટે લિસ્ટ-A અને T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. ત્યારબાદ બે વર્ષ બાદ રિંકુ સિંહે પંજાબ સામેની મેચથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પગ મૂક્યો હતો. રિંકુ સિંહે અત્યાર સુધી 30 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 5 સદી અને 16 અડધી સદીની મદદથી 2307 રન બનાવ્યા છે.

રિંકુ સિંહના પરિવાર પર પણ 5 લાખનું દેવું હતું, જે તેણે ક્રિકેટ રમીને ચૂકવી દીધું. રિંકુ સિંહે 2014માં લિસ્ટ A ક્રિકેટમાં વિદર્ભ સામે ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ ઘરેલુ ક્રિકેટમાં પણ પોતાના બેટથી ટીમે ઘણી મેચો જીતી હતી. રિંકુ સિંહ KKRની ટીમમાં શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે ઓળખાય છે.

Niraj Patel