ફિલ્મો જોવાનું કોને ના ગમે ? નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામ ઉંમરના લોકોને ફિલ્મ જોવાનો શોખ હોય છે, હા તેમના ટેસ્ટ અલગ અલગ હોઈ શકે પરંતુ ફિલ્મ જોવી દરેકને ગમતી હોય છે. પોતાની ગમતી ફિલ્મના પાત્રો પણ આપણને ગમતા હોય છે, પરંતુ એ પાત્રોને રૂપેરી પડદે લઇ આવવા પાછળ પણ ઘણા લોકોનો હાથ હોય છે.
એ વ્યક્તિઓ પડદા પાછળ રહીને ફિલ્મનું આખું માળખું તૈયાર કરતા હોય છે અને તમારી સામે તેને ખુબ જ સારી રીતે શણગારીને રજૂ કરતા હોય છે. આજે આપણે એવા જ એક વ્યક્તિ જેમની દરેક ફિલ્મ કોઈને કોઈ એવોર્ડ મેળવી ચુકી છે એવા ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને લેખક જયંત ગિલાટર (Jayant Gilatar) વિશે વાત કરવાના છીએ.
જયંત ગિલાટર (Jayant Gilatar) થોડા જ દિવસમાં એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ “હલકી ફુલકી” લઈને આવી રહ્યા છે, આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જે દર્શકોને પણ ખુબ જ પસંદ આવ્યું છે અને હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં જયંતજી લેખક, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. ત્યારે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
જયંતજી સાથે અમે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કર્યું, જેમાં અમે તેમને કેટલાક સવાલ પૂછ્યા, જેના પહેલા સવાલમાં અમે તેમને પૂછ્યું કે “આપનું ફિલ્મો સાથે જોડાણ કેવી રીતે થયું ?” ત્યારે આ સવાલનો જવાબ આપતા તેમને જણાવ્યું કે તેઓ એક બેન્કમાં કામ કરતા હતા અને તેમને બેંકની નોકરી છોડી અને ફિલ્મો સાથે જોડાવવાનો નિર્ણય કર્યો.
અમારા બીજા સવાલમાં અમે જયંતજીને પૂછ્યું કે “શરૂઆતના દિવસોમાં કેવી સ્ટ્રગલ રહી ?”
ત્યારે આ સવાલનો જવાબ આપતા તેમને જણાવ્યું કે, “શરૂઆતની જયારે વાત કરું ત્યારે એ સમયે 90ના દાયકામાં મારો સારો એવો પગાર હતો છતાં પણ મેં તે નોકરી છોડી દીધી અને આ લાઈનમાં આવ્યો અને શરૂઆતમાં 8 મહિના સુધી મને જે ઘરે આવવા જવા માટેનું કન્વેન્સ મળવું જોઈએ તે પણ નહોતું મળ્યું. છતાં પણ હું ટકી રહ્યો.”
આ સવાલમાં જ બીજો સવાલ વણીને અમે તેમને પૂછ્યું કે “આ દરમિયાન કોઈ એવો અનુભવ જેમાં તેમને આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે વધારે મજબૂત બનાવ્યા હોય ?” તો આ સવાલનો જવાબ આપતા તેમને જણાવ્યું કે, “મને એડીટમાં મોકલવામાં આવ્યો, ત્યારે એ સમયે હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ નહોતા, બસ રીલના ડબ્બા હતા. તે ઉપાડીને હું રિક્ષામાં એડિટ કરાવવા માટે એક એડ્રેસ ઉપર લઈને ગયો. ત્યારે ત્યાં એ સમયના ટોપ મોસ્ટ એડિટર હતા વામન ગુરુ સાહેબ. ત્યારે તેમને મને જોઈને પૂછ્યું કે, “કૌન હે તું ?” ત્યારે મેં કહ્યું કે “મેં કે આઈવી શંકરજી કા નયા આસિસ્ટન્ટ હું.” પછી એમને પૂછ્યું પહેલા શું કરતા હતા, ત્યારે મેં કહ્યું કે હું બેંકમાં હતો.”
આગળ તેમને જણાવ્યું કે, “ત્યારે મારી વાત સાંભળીને ગુરુ સાહેબે કહ્યું હતું કે ‘અહીંયા શું કામ આવ્યો છે ? ઇન્ડસ્ટ્રી તો કાલે બંધ થઇ રહી છે,’ હું પણ હેરાન રહીને પૂછી રહ્યો હતો કે ‘શું સાહેબ, કાલે ઇન્ડસ્ટ્રી બંધ થઇ જશે ?’ ત્યારે તેમને કહ્યું હતું કે તું બેંકમાં જા, અહીંયા ના રહીશ !’ ત્યારબાદ મેં બહાર આવીને વિચાર કર્યો કે આ સાહેબ મને પહેલીવાર મળ્યા અને મને કહ્યું કે અહીંયા શું કામ આવ્યો છે ? અને મારે તો ડાયરેક્ટર બનવું છે. ઘરે મારા મમ્મી પણ રડતા હતા કે બેંક છોડી દીધી.. આ લાઈન ખરાબ છે, ત્યારે મમ્મીને મેં કહ્યું કે હું ચા પણ નથી પીતો. કારણ કે એ સમયે એવો માહોલ હતો કે ઇન્ડસ્ટ્રીમાં પાર્ટીઓ થાય, લોકો દારૂ પીવે પરંતુ ધીમે ધીમે મારા કામથી હું જીતતો ગયો અને આગળ વધતો ગયો કારણ કે મારી પાસે બીજો રસ્તો નહોતો, બેંકની નોકરી તો છોડી જ દીધી હતી.
આગળના સવાલમાં અમે જયંતજીને પૂછ્યું કે “આપની ફિલ્મ “નટ સમ્રાટ” અને “ગુજરાત 11” દરમિયાનનો આપનો અનુભવ કેવો રહ્યો ? જેના જવાબમાં તેમને કહ્યું કે, “મારી પહેલી ફિલ્મ “ચોક એન્ડ ડસ્ટર” રિલીઝ થયા બાદ એ ફિલ્મના રિસ્પોન્સ પછી મારી બીજી ફિલ્મ “ગુજરાત-11″ને હું હિન્દીમાં બનાવવાનો હતો.”
“જેના માટે એક બે ટોપ અભિનેત્રીઓ સાથે પણ વાત થઇ હતી પરંતુ ત્યારે ડેટના ઇસ્યુ હતા.આ દરમિયાન તેમના એક મિત્ર રવિન્દ્ર તેંડુલકર જે બોમ્બે પબ્લિસિટી વાળા છે જેમની સાથે એકવાર વાત થઇ અને તેમને કહ્યું કે, “આપણે કોઈ સિરિયલ અથવા કોઈ ફિલ્મ બનાવીએ.”
તેમને કહ્યું કે ‘નટ સમ્રાટ” જેવું કઈ બનાવીએ. ત્યારે મેં કહ્યું કે ચાલો “નટ સમ્રાટ” બનાવીએ. ત્યારે તેમને કહ્યું કે મરાઠીમાં બની તો ગયું હવે હિન્દીમાં કોણ બનાવે ? ત્યારે મેં કહ્યું કે આપણે “નટ સમ્રાટ” હિન્દીમાં નહીં ગુજરાતીમાં બનાવીએ. ત્યારે તેમને પણ કહ્યું કે તું હિંદીનો ડાયરેક્ટર છે ગુજરાતીમાં કેવી રીતે “નટ સમ્રાટ” બનાવીશ ?”
“જેના બાદ તેમને મહેશ માંજરેકર પાસે વાત કરી અને તેમને કહ્યું કે જો તું આ ફિલ્મ બનાવવાનો હોય તો મને વાંધો નથી, કારણ કે આ પહેલા બે મોટા પ્રોડ્યુસર તેમની પાસે ગયા હતા “નટ સમ્રાટ”ના રાઇટ્સ લેવા માટે પરંતુ એમને ના આપ્યા અને મને રાઇટ્સ આપ્યા. આ ફિલ્મ મેં બનાવી અને તેને ભરપૂર પ્રતિસાદ મળ્યો જેના બાદ મારી પાસે એક ગુજરાતી સ્ક્રિપ્ટ હતી જ અને મેં ગુજરાત 11 બનાવી.”
જયંત ગિલેટર સાહેબને અમે તેમની આવનારી ફિલ્મ “હલકી ફુલકી” ફિલ્મ વિશે સવાલ કરતા પૂછ્યું કે “હલકી ફુલકી”નો વિચાર કેવી રીતે સ્ફૂર્યો ? અને આ ફિલ્મ બનાવતી વખતનો અનુભવ કેવો રહ્યો ?” જેના જવાબમાં તેમને કહ્યું કે, “મને આ ફિલ્મનો વિચાર એવી રીતે આવ્યો કે બધાને ખ્યાલ જ હશે કે મારી ફિલ્મના ગ્રાફ અલગ અલગ હોય છે.મેં “ચોક એન્ડ ડસ્ટર” બનાવી, “નટ સમ્રાટ બનાવી”, પહેલી ગુજરાતી “સ્પોર્ટ્સ ફિલ્મ” “ગુજરાત-11” બનાવી.
પછી મેં મારી આસપાસના કેરેક્ટર વિશેનો વિચાર કર્યો અને મગજમાં પાત્રો ગોઠવ્યા અને “હલકી ફુલકી” તૈયાર થઇ. શૂટિંગમાં પણ ખુબ જ મજા આવી. 26 દિવસમાં સળંગ રાજકોટ અને જામનગરમાં શૂટિંગ કર્યું અને રાત્રે 9 વાગે કર્ફ્યુ થઇ જાય એટલે શૂટિંગ બંધ થઇ જાય. ફિલ્મમાં 10 અભિનેત્રીઓ હતી પરંતુ વાતાવરણ એટલું હળવું હતું કે અમે મસ્તી જ કરી અને ફિલ્મ ક્યારે પૂર્ણ થઇ ગઈ ખબર જ ના પડી.
અમે આગલાં સવાલમાં તેમને પૂછ્યું કે “એક ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને લેખક તરીકે જે લોકો ફિલ્મોમાં આવવા માંગે છે તેને શું સંદેશ આપશો ?” જેના જવાબમાં જયંતજી એ જણાવ્યું કે, “જે લોકો નાના વીડિયો અને શોર્ટ ફિલ્મ બનાવે છે અને એમ સમજે છે કે મને ફિલ્મ બનાવતા આવડી ગયું તે ખોટું છે, તેમને ફિલ્મની સમજ મેળવવા માટે ડીપમાં ઉતરવું પડે, નાનામાં નાની બાબતોનું પણ તમારે ધ્યાન રાખવાનું શીખવું પડે.આજની યંગ જનરેશને નાનું એવું સારું કામ બનાવીને પોતાનાથી પ્રભાવિત ના થવું.કારણ કે જયારે ત્રણ કલાકની ફિલ્મ બનાવો ત્યારે પહેલો શોર્ટ લીધા બાદ ઘણા લોકોને ખબર નથી હોતી કે બીજો શોર્ટ કેવો લેવો. આ બધી બાબતો ઉપર તેમને ધ્યાન આપવું જોઈએ. કોઈ સારા ડાયરેક્ટર પાસે આખી પ્રોસેસ જાણવી જોઈએ.
છેલ્લો સવાલ : “શા કારણે દર્શકોએ “હલકી ફુલકી” ફિલ્મ જોવી જોઈએ ?” ત્યારે આ સવાલના જવાબમાં તેમને કહ્યું કે આમતો ઘણા બધા કારણો છે, આ ફિલ્મની અંદર 10 અભિનેત્રીઓ છે અને કોઈ અભિનેતા નથી, જે આજ સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં જોવા નથી મળ્યું અને બીજી વાત એ છે કે આ ફિલ્મમાં આજની સ્ત્રીની વાત છે. સ્ત્રીઓ પોતાની મિત્રો સાથે પોતાની વાત શેર કરે છે અને આ ફિલ્મનું દરેક પાત્ર કોઈને કોઈ સાથે જોડાયેલું છે. આ ફિલ્મ જોતા દરેક વ્યક્તિને લાગશે કે આ પાત્ર મારી આસપાસ જોડાયેલું છે.”