દેશની સરહદો પર સેનાના જવાનો ફરજ બજાવી રહ્યા છે જેના કારણે આપણે દેશમાં શાંતિના શ્વાસ લઇ રહ્યા છે. ત્યારે દેશની રક્ષા કરતા કરતા ઘણા જવાનો શહીદ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં લેહ લદાખમાં માતૃ ભૂમિની રક્ષા કરતા ગુજરાતના એક જવાનના શહીદ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમનો પાર્થિવ દેહ માદરે વતન લાવતા જ શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
રાજકોટના ધોરાજી તાલુકાના ચિચોડા ગામના વતની એવા 39 વર્ષીય જવાન મનુભા ભોમભા દયાતરે લેહ લદાખમાં માતૃભૂમિની રક્ષા કરતા 29 નવેમબરના રોજ શહીદી વહોરી લીધી. જેના બાદ 2 ડિસેમ્બરના રોજ તેમના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો હતો. ચિચોડા ગામ ખાતે પાર્થિવ દેહને લઇ જતા પહેલા ધોરાજીના સરદાર ચોક ખાતે હજારોની સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી.
મનુભાઈ દયાતરનો જન્મ 15 સપ્ટેમ્બર 1983ના રોજ તેમના જ વતન ચિચોડમાં થયો હતો. ભારતીય સેનામાં દ્રાસ સેક્ટર કારગીલ 11 ગ્રેનેડીયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ 2002થી ભારતીય સેનામાં જોડાયા હતા. તેમને મધ્ય પ્રદેશના જબલપુર ખાતેથી તાલીમ લીધી હતી અને તેઓ હવાલદારની પોસ્ટ પર હતા અને તેમને ભારતીય સેનામાં 21 વર્ષ કામ કર્યું હતું.
વીર જવાન મનુભાઈના શહીદ થવાના સમાચાર આવતા જ ગામમાં પણ શોકનો માહોલ છવાયો હતો. તેમના પિતા એક ખેડૂત છે. પરિવારમાં બે ભાઈઓ અને ચાર બહેનો છે. તેમના લગ્ન પણ થઇ ચુક્યા છે અને એક 9 વર્ષનો દીકરો આર્યન સિંહ પણ છે. નાની ઉંમરમાં જવાનના શહીદ થયા બાદ પરિવારમાં પણ શોક ફેલાયો છે.
શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકોએ તેમના પર ફૂલ વરસાવી અને ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને સલામ પણ કર્યુ હતુ. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર મનુભાઈનો ભત્રીજો પણ હાલ શ્રીનગર ખાતે આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે.
હજારો લોકો હાજર રહી ધોરાજીના રોડ પર પસાર થતા લોકોએ પુષ્પવર્ષા કરેલ તથા શ્રદ્ધાસુમન અર્પણ કરેલ, પાર્થિવ દેહ માદરે વતન લાવતા જ શ્રધાંજલિ આપવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ તકે વિશાળ સંખ્યામાં નિવૃત જવાનોએ પણ હાજર રહીને સલામી આપેલી. ત્યારબાદ ધોરાજીથી પીપળીયા મોટીમારડ જમનાવડના ગ્રામજનોએ વીર જવાનને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.