રાજકોટ : મોબાઇલની લત્તમાં લેવાયો વધુ એક જિંદગીનો ભોગ ! માતાએ આપ્યો ઠપકો તો 17 વર્ષની સગીરાએ પી લીધુ એસિડ

આ નવી પેઢી ક્યારે સુધરશે? રાજકોટમાં 17 વર્ષની દીકરીને મમ્મીએ ભલા માટે ઠપકો આપ્યો અને દીકરીએ મોતને વહાલું કરી લીધું

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને સગીર વયના બાળકોના આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. આજકાલના બાળકો તો માતા-પિતાની કોઇ વાતનું લાગી આવતા પણ જીવન ટૂંકાવી લેતા હોય છે. ઘણા બાળકો તો આખો દિવસ મોબાઇલમાં જ વ્યસ્ત રહેતા હોય છે. કોઇ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, તો કોઇ ગેમમાં એક્ટિવ રહેતુ હોય છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે ઓનલાઇન ભણવાનું થતા બાળકોનો મોબાઇલ પ્રત્યેનો પ્રેમ ઘણો જ વધી ગયો છે. ઘણા બાળકો તો હવે ઇનડોર-આઉટડોર ગેમ રમતા જ નથી અને બસ આખો દિવસ મોબાઇલમાં જ રહેતા હોય છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જો મા-બાપ તેમને મોબાઇલ મૂકી ભણવાનું કહે અથવા તો કોઇ કામ કરવાનું કહે તો તેમને માઠુ લાગી આવતુ હોય છે. ઘણા બાળકો તો માતા-પિતાની વાતનું માઠુ લાગી આવતા આપઘાત જેવા પગલા પણ ભરી લેતા હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મોબાઇલની લત્તમાં વધુ એક જિંદગીનો ભોગ લેવાયો છે. રાજકોટના જસદણમાં 17 વર્ષિય સગીરા જે મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી તેને તેની માતાએ મોબાઈલ મૂકી થોડીવાર કામમાં મદદ કરવા માટે કહ્યું હતું. આ વાતનું સગીરાને એટલું માઠુ લાગી આવ્યુ કે તેણે ઘરમાં જઈ એસીડ પી આપઘાત કરી લીધો.

આ ઘટનાને કારણે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતી સગીરાને તેની માતાએ કહ્યું હતું કે, ઘરકામ પડ્યું છે, પહેલા કામ કર પછી મોબાઈલ જોજે, હમણા ફોન મૂકી દે. બસ આ નાની અમથી વાતને કારણે દીકરીના માઠુ લાગી આવ્યુ હતુ. જે બાદ તેણે ઘરમાં પડેલું એસિડનું ડબલું લઈ બાથરૂમમાં જઈ પી લીધું હતું. એસિડ પીધા બાદ તે બાથરૂમમાં જ બેભાન થઈ પડી ગઈ હતી. પરિવારને જાણ થયા બાદ તેઓએ બાથરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તે બેભાન અવસ્થામાં મળી આવી હતી.

તેને ગંભીર હાલતમાં પહેલા જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આજે સારવાર દરમિયાન તરૂણીનું મોત નીપજતા સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી. પોલિસને જાણ થતા જ તે આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી પરિવારજનોનું નિવેદન લીધુ હતુ.

Shah Jina