જયપુરમાં હાલમાં જ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે IIFAની 25મી એવોર્ડ સેરેમનીનું 8 અને 9 માર્ચે આયોજન કરવામાં આવ્યું, જેમાં શનિવારે IIFA ડિજિટલ એવોર્ડ અને રવિવારે આઈફા મેન એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. આ વખતનો IIFA એવોર્ડ ગુજરાતીઓ માટે ખાસ બની ગયો કેમ કે ગુજ્જુ એક્ટ્રેસ જાનકી બોડીવાલા આઈફા એવોર્ડ્સમાં છવાઈ ગઈ.

જાનકી બોડીવાલાને ફિલ્મ ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે અને એ પણ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના હસ્તે. આ દરમિયાનના ઘણા વીડિયો સામે આવ્યા છે. જાનકી સાથે IIFAમાં ગુજ્જુ અભિનેતા યશ સોની પણ જોવા મળ્યો હતો. તે તેની બેસ્ટફ્રેન્ડના સપોર્ટમાં જયપુર પહોંચ્યો હતો.

યશ સોનીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી લખ્યું, જાનકી બોડીવાલાને IIFA એવોર્ડમાં જીત બદલ અભિનંદન અને એ પણ કિંગ ખાન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો. તું તેને લાયક છે ગર્લ. ગો બિગ ! આ ખરેખર પ્રેરણાદાયક છે ! અમદાવાદમાં જન્મેલી જાનકીને અજય દેવગન અને આર માધવન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ માટે પરફોર્મંસ ઈન લીડિંગ સપોર્ટિંગ રોલ (ફિમેલ) નો એવોર્ડ મળ્યો છે.

આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક છે, જેમાં હિતુ કનોડિયા, હિતેન કુમાર અને જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં હતા. જણાવી દઈએ કે, વશ ફિલ્મમાં જાનકીએ દમદાર અભિનય કર્યો હતો. જાનકીની વાત કરીએ તો તેણે એમએના સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી સ્કૂલનો અભ્યાસ અમદાવાદથી કર્યો છે અને ગાંધીનગરના ગોયનકા રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સથી બેચલર ઓફ ડેંટલ સર્જરીમાં ડિગ્રી મેળવી છે.

જાનકીએ કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી કરી હતી. આ ફિલ્મ સુપરહીટ સાબિત થઇ હતી. આ પછી જાનકીએ ‘ઓ તારી’ ‘તંબુરો’, ‘દોડ પકડ’, ‘છુટ્ટી જાયે છક્કા’, ‘તારી માટે વન્સ મોર’, ‘બાઉ ના વિચાર’, ‘નાડી દોષ’ અને ‘વશ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. જાનકીએ વર્ષ 2019માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તે આ સ્પર્ધામાં ટોપ-3માં પહોંચી હતી.
View this post on Instagram
જાનકીના પિતા ભરત બોડીવાલા વકીલ છે જ્યારે માતા કાશ્મીરા બોડીવાલા હાઉસવાઇફ છે. તેનો નાનો ભાઈ ધ્રુપદ કેનેડામાં અભ્યાસ કરે છે. જાનકીએ એકવાર ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે મારા કરિયરમાં મારા માતા-પિતાએ મને ખૂબ જ ટેકો આપ્યો છે. તે હંમેશા મને એવું કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેમાં મને આનંદ આવે છે.
View this post on Instagram