જામનગરમાં એક જ પરિવારના 5 સભ્યો થઇ ગયા અચાનક લાપતા, પોલીસ પણ શોધવા કરી રહી છે મથામણ, ગુમ થવાનું કારણ હજુ અકબંધ

દેશભરમાં ઘણા લોકો આજે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે, અને ઘણા લોકો  આર્થિક તંગીના કારણે પોતાનું જીવન પણ ટૂંકાવી લેતા હોય છે તો ઘણા લોકો પરિવાર સાથે જ સામુહિક આપઘાત પણ કરી લેતા હોય છે, પરંતુ હાલ રાજકોટમાં એક આખો પરિવાર જ ગુમ થયો હોવાની ખબરે ચકચારી મચાવી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત 11 માર્ચના રોજથી જ જામનગરના ગોકુલનગર રડાર રોડ ઉપર નવાનગર શેરી નંબર 5માં રહેતા અને ગોકુલનગરના નજીક બજરંગ ડાઇનિંગ હોલ નામથી હોટલ ચલાવી રહેલા 52 વર્ષીય અરવિંદભાઈ હેમંતભાઈ નિમાવત, તેમના પત્ની 45 વર્ષીય શિલ્પાબેન, 26 વર્ષીય દીકરી કિરણ, 24 વર્ષીય દીકરો રણજીત અને 22 વર્ષીય દીકરો કરણ પોતાના ઘરેથી અચાનક લાપતા થઇ ગયા હતા.

તેમના ગુમ થયા બાદ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. જેના બાદ જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ મથકે તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પણ તેમની શોધખોળ શરૂ કરી છે. તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવવાના કારણે તેમની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક સાધી શકાયો નથી.

આ પરિવાર હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેમની ધંધા માટે લોન પણ મળી હતી, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ પરિવાર છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણનો સામનો પણ કરી રહ્યો હતો. જેના કારણે કદાચ તેમને જામનગર છોડી દીધું હોવાનું પણ અનુમાન લાવવામાં આવી રહ્યું છે. તમેનું ઘર અને હોટલની જગ્યા ભાડાના હતા. પોલીસ હાલ પરિવારના આ 5 સભ્યોની શોધખોળમાં લાગી છે.

Niraj Patel