જામનગર : સાડાપાંચ મહીને જન્મેલી બાળકીને 125 દિવસની સારવાર બાદ મળ્યુ નવજીવન, 79 દિવસ સુધી વેન્ટીલેટર પર

એક કહેવત છેને કે, રામ રાખે એને કોણ ચાખે. આ કહેવત જામનગરની એક નવજાત બાળકી કે જેનો જન્મ સાડા પાંચ મહિનામાં જ થઇ ગયો હતો તેને સાચી ઠેરવી છે. સાડા પાંચ મહિને જન્મેલી બાળકીએ 100થી પણ વધુ દિવસ સુધી જંગ લડી અને મોતને માત આપી.

અવિકસિત ગર્ભમાંથી જન્મેલી એટલે કે અધૂરા માસે જન્મેલી આ બાળકીનું વજન માત્ર 575 ગ્રામ હતું. આ બાળકી 79 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી અને NICUમાં 125 દિવસ સુધી રહી હતી અને તેણે આ લાંબી સારવાર બાદ તેના જીવનની જંગ જીતી હતી અને તેને નવજીવન મળ્યું છે.

બાળકને શ્વાસ ફૂલવો, હૃદયની નળી ખૂલી રહેવી, ફેફસાંની તકલીફ, આંતરડાંની તકલીફ, લોહીનાં આવશ્યક તત્ત્વોમાં ફેરફાર જેવી અનેક તકલીફો હતી અને ડોક્ટર માટે અત્યંત પડકાર સ્વરૂપ પણ હતુ, પરંતુ હોસ્પિટલની ટીમે આ પડકારને હરાવ્યો અને મોટી સફળતા હાથ ધરી છે. આવા કપરા કાળમાં આ નાનકડા બાળકે 79 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી મોતને માત આપી છે.

બાળકીના માતા-પિતાએ જણાવે છે કે, આયુષ ન્યુબોર્ન કેર સેન્ટર જામનગર માટે ખરેખર એક આર્શીવાદ સમાન છે. જો કોઇ પણ અધૂરા માસના બાળકના જન્મ બાદ તેને સારવાર બરાબર મળી રહે તો તેને નવું જીવન મળી શકે છે. તેમણે જણાવ્યુ કે, અમે અમારી ધીરજ ખોઇ ન હતી અને આખરે અમેન સફળતા પણ મળી ગઇ છે.ડોક્ટરોની 24 કલાકની સારવાર અને બીજા ઘણા બધાથી તેમને સફળતા મળી છે. ડો.પાર્થરાજ ગોહિલ, ડો.નિકેશ પટેલ, ડો. કલ્પેશ મકવાણા અને ડો.રોનક ઓઝાની ટીમે આ બાળકીને નવુ જીવન આપ્યુ છે.

Shah Jina