શ્રીનગરમાં આતંકી હુમલાના 24 કલાકની અંદર જ ભારતીય સેનાએ લીધી બદલો, પૂંછના સુરનકોટમાં એક આતંકી ઢેર

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના જેવાનમાં પોલીસ બસ ઉપર થયેલા હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ જવાનો શહીદ થયા છે. આ હુમલાના 24 કલાકની અંદર ભારતીય સેનાએ આતંકીઓથી બદલો લીધો હતો. આજે પૂંછના સુરનકોટમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ભારતીય સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સ દ્વારા માહિતી આપવામાં આવી છે કે પૂંછના સુરનકોટ સેક્ટરના બહેરામગાલામાં ભારતીય સેના અને જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં એક આતંકવાદી માર્યો ગયો છે. એટલું જ નહીં આતંકવાદી પાસેથી એક AK-47 રાઈફલ અને ચાર મેગેઝીન પણ મળી આવ્યા છે. હાલમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મેળવવામાં આવી રહી છે કે તે કયા આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવતો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર મળેલી મહૈતી પ્રમાણે સ્થાનિક લોકોએ સોમવારે સાંજે સુરનકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખાને અડીને આવેલા બહેરામગલા વિસ્તારના જંગલોમાં કેટલાક શંકાસ્પદ બંદૂકધારીઓને જોયા હતા. તેમની સંખ્યા લગભગ બેથી ત્રણ હોવાનું કહેવાય છે. માહિતી મળતાં જ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના એસઓજી જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આતંકીઓની શોધખોળ શરૂ કરી હતી. આજે સવારે જ્યારે સુરક્ષા જવાનો જંગલની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે વૃક્ષોની આડમાં છુપાયેલા એક આતંકવાદીએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

જવાબી ગોળીબારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સ્થાનિક લોકોએ બેથી ત્રણ આતંકવાદીઓને જોયા હોવાની માહિતી આપતાં સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોમાં લાંબા સમય સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યારે ખાતરી કરવામાં આવી કે આસપાસ અન્ય કોઈ આતંકવાદી હાજર નથી.

શ્રીનગર આતંકી હુમલામાં જીવ ગુમાવવા વાળા જમ્મુ અને કાશ્મીર પોલીસ જવાન શફીક અલીને આજે પોલીસ લાઈન રિયાસી ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ હુમલા અંગે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, “આતંકવાદી હોય કે અલગતાવાદી, તેઓ જાણે છે કે તેમની યોજના કોઈપણ રીતે સફળ નહીં થાય. વ્યાજ સહિત આપણા સુરક્ષા દળો આતંકવાદીઓની કાર્યવાહીનો જવાબ આપી રહ્યા છે.”

તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે પંથા ચોક વિસ્તારના જેવાનમાં આતંકવાદીઓએ 25 પોલીસકર્મીઓને લઈને જઈ રહેલી બસ પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં જમ્મુ અને કાશ્મીર સશસ્ત્ર પોલીસની નવમી બટાલિયનના ઓછામાં ઓછા 14 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં ત્રણ જવાનોના મોત થયા છે.

Niraj Patel