‘પાણી પર ચાલતી વૃદ્ધ મહિલાને લોકો પૂજવા લાગ્યા; નર્મદા માતા કહેવા લાગ્યા; વાયરલ વીડિયો પર મહિલાની હકિકત જાણી માથુ પકડી લેશો

સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો વાયરલ થવો એ કોઇ નવી વાત નથી, પણ ક્યારેક ક્યારેક ભ્રામક વીડિયો આસ્થા અને અંધવિશ્વાસ વચ્ચેની દૂરી ખત્મ કરી દે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે મધ્યપ્રદેશના જબલપુરનો હોવાનું કહેવાઇ રહ્યુ છે. એક વૃદ્ધ મહિલા કે છેલ્લા કેટલાક દિવસોથી નર્મદાના ઘાટ પર જોવા મળી રહ્યા હતા અને તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે નદીના પાણીમાં ચાલતા જોવા મળી રહ્યા હતા.

વીડિયો સાથે એ દાવો કરવામાં આવ્યો હતો કે ‘વૃદ્ધ મહિલા ચમત્કારિક છે, તેઓ પાણી પર ચાલે છે અને તેમના કપડાં પાણીમાં ભીના પણ થતા નથી’. આ અફવા વિસ્તારમાં એટલી ફેલાઈ ગઈ કે જ્યાં પણ મહિલા ગઈ ત્યાં સેંકડો લોકો તેને જોવા માટે ભેગા થવા લાગ્યા. વૃદ્ધ સ્ત્રીને ‘નર્મદા માં’ કહેવામાં આવી. મહિલાનો વીડિયો શેર કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું કે, “એક વૃદ્ધ મહિલા નર્મદા નદીની વચ્ચે રસ્તા પર ચાલી રહી હોય તેમ ચાલી રહી હતી.”

નર્મદા નદીમાં ડૂબકી માર્યા પછી પણ તે ભીની નહોતી થઇ રહી. તેવી જ રીતે અન્ય ઘણા લોકોએ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ત્યાં મહિલાને જોવા માટે વિસ્તારના લોકો એકઠા થવા લાગ્યા. જ્યારે મામલો પોલીસ સમક્ષ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે મહિલાનું નામ જ્યોતિબાઈ રઘુવંશી છે. આજતકના અહેવાલ મુજબ, મહિલા નર્મદાપુરમની રહેવાસી છે અને તેમની ઉંમર 51 વર્ષની છે.

પોલીસની પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે ના તો તે પાણી પર ચાલી શકે છે અને ના તો એવું છે કે તેના કપડાં પાણીમાં ભીના ન થાય. મહિલાએ કહ્યું કે તે કોઈ ચમત્કાર કરતી નથી, પરંતુ તે ઘરે કહ્યા વગર જ નર્મદા પરિક્રમા કરવા ગઈ હતી. ‘ચમત્કાર’ના તમામ દાવાઓ સાથે વાયરલ થયેલા વીડિયો અંગે મહિલાએ જણાવ્યું કે, જ્યારે તે એક જગ્યાએ છીછરી નર્મદા નદીમાં ચાલી રહી હતી ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ એક અફવા ફેલાઈ કે તે પાણી પર ચાલે છે, તે નર્મદા દેવીનું સ્વરૂપ છે.

મહિલાએ સ્પષ્ટતા કરી કે નદીમાં પાણી ઓછુ હોવાને કારણે લોકો એવું માનતા હતા કે તે પાણી પર ચાલી રહી છે, જ્યારે હકીકતમાં એવું કંઈ નથી. કપડા ભીના ન થવાની વાત પર તેણે કહ્યું કે તેના કપડા સૂર્યપ્રકાશને કારણે ઝડપથી સુકાઈ જતા હતા. રિપોર્ટ અનુસાર, જ્યારે પોલીસે મહિલા વિશે વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે મહિલા મે, 2022થી તેના ઘરેથી ગુમ હતી. તેના પુત્રએ તેના ગુમ થયાની જાણ પણ કરી હતી. આ મામલે જબલપુરના એડિશનલ એસપીએ જણાવ્યું કે વૃદ્ધ મહિલાને હવે તેના પરિવાર પાસે પહોંચાડી દેવામાં આવી છે.

Shah Jina