Ahmedabad Iskon Bridge Accident : આજે જ અમદાવાદમાંથી ગોઝારા અને ખૌફનાક અકસ્માતની ખબર સામે આવી, જેમાં જેગુઆર કાર લોકો પર ચડી ગઈ હતી, અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત થયા હતા. જેગુઆરની સ્પીડ 150-160 કિમીથી વધુ હતી. આ અકસ્માતમાં 10થી વધારે લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. તમામ ઘાયલોને શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાતે ઇસ્કોન બ્રિજ પર એક અકસ્માત થયો, જેમાં ટ્રકે થાર એસયુવીને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું.
ડોક્ટર સાહેબ મારા દીકરામાં હજી જીવ હશે, થોડું પમ્પિંગ કરો, વેન્ટિલેટર પર રાખો.
આ દરમિયાન એક તેજ રફતાર જેગુઆર કારે બ્રિજ પર અનેક લોકોને કચડ્યા.પોલીસે જણાવ્યું કે, ઘાયલોમાં કાર ચાલકનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, કેટલાકને સોલા સિવિલમાં પણ ખસેડાયા હતા. ત્યારે મધરાતે 3 વાગ્યે દિવ્ય ભાસ્કરની ટીમ સોલા સિવિલ પહોંચી અને અહીં મૃતકના પરિવારનો વલોપાત જોવા મળ્યો. એક દીકરાના પિતા કહી રહ્યા હતા કે ડોક્ટર સાહેબ મારા દીકરામાં હજી જીવ હશે, થોડું પમ્પિંગ કરો, વેન્ટિલેટર પર રાખો…
પિતાનો વલોપાત જોઇ સૌ કોઈની આંખો છલકાઇ ગઈ
જો કે, ચાલીસેક મિનિટ સુધી એક પિતાની આજીજી પર હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા દાખવી અને મૃતક યુવકને વેન્ટિલેટર પર રાખ્યો.પિતાનો આ વલોપાત જોઇ તો ત્યાં સૌ કોઈની આંખો છલકાઇ ગઈ હતી. આ દૃશ્યો ખરેખર દિલને કંપાવી દે તેવા હતા. પોતાના વાહલસોયાને ગુમાવ્યા બાદ પિતાનું હૈયાફાટ રુદન કોઇને પણ ધ્રુજાવી દે તેવું હતુ. મૃતકમાં સુરેન્દ્રનગર અને બોટાદના હોવાનું સામે આવ્યુ હતુ અને તેમના પરિવારને માહિતી મળતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં આક્રંદ અને હૈયાફાટ રુદને માહોલ ભારે ગમગીન બનાવી દીધો હતો.
કોઈએ એકનો એક પુત્ર ગુમાવ્યો તો કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો
સોલા સિવિલમાં મધરાતે બે વાગ્યાથી સવાર સુધી ખૂબ જ ગંભીર માહોલ સર્જાયો હતો. 9 મૃતકોમાં કેટલાક તો પોતાની કારકિર્દી બનાવવા માટે અભ્યાસ કરવા અમદાવાદ આવ્યા હતા અને આવી રીતે તેમને ગંભીર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અમદાવાદના આ ગોઝારા અને ખૌફનાક અકસ્માતની કરુણ ઘટનામાં કોઈએ એકનો એક પુત્ર ગુમાવ્યો તો કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો. મોટાભાગના મૃતકો બોટાદ અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા. જો કે એક મૃતક યુવક ચાંદલોડિયામાં આવેલ ચુવાળનગર સોસાયટીમાં રહેતો હતો અને તેનું નામ નીરવ રામાનુજ હતું.
એક મૃતક યુવક ચાંદલોડિયાનો
આ ઘટનાની જાણ તેના પિતાને થતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગયા હતા. અકસ્માતમાં જે લોકોના મોત થયા છે, તેમના નામ ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ), અમન કચ્છી – સુરેન્દ્રનગર, અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગર, નિરવ – ચાંદલોડિયા, અક્ષય ચાવડા – બોટાદ, રોનક વિહલપરા – બોટાદ, કૃણાલ કોડિયા – બોટાદ, નિલેશ ખટીક – હોમગાર્ડ, બોડકદેવ છે અને આ ઉપરાંત હજુ સુઝી એકની ઓળખ થઈ નથી.