સનરાઇઝર્સ હૈદરાબાદને લાગ્યો મોટો ઝાટકો, આ ખેલાડીના પિતાનું અવસાન થતા IPL છોડી દીધી

સનરાઇઝર્સ હૈદરાબાદના IPLમાં મોટો ઝાટકો લાગ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ઓલરાઉન્ડર ખેલાડી શરફેન રધરફોર્ડ( (Sherfane Rutherford))ના પિતાનું નિધન થયું છે. તે હવે બાયો-બબલ છોડીને યુએઈમાંથી તેના ઘરે પરત ફરશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્વિટર પર આ સમાચાર વિશે માહિતી આપી અને ક્રિકેટર અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે જણાવ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર શરફેન રધરફોર્ડના પિતાનું નિધન થયું છે અને આ ખેલાડી પોતાના પરિવાર સાથે રહેવા સંયુક્ત આરબ અમીરાતમાં IPLનું બાયો-બબલ છોડી દેશે. આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ ક્રિકેટર અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે તેમના સત્તાવાર ટ્વિટર પેજ પર લખ્યું, “સનરાઇઝર્સ હૈદરાબાદ પરિવાર શરફેન રધરફોર્ડના પિતાના નિધન પર તેમને અને તેમના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરે છે.

રધરફોર્ડ કોણ છે : આઈપીએલ 2021 ના ​​બીજા તબક્કામાં સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર શરફેન રધરફોર્ડને તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ડાબોડી ખેલાડી મધ્યમ ગતિનો બોલર છે અને વિસ્ફોટક બેટ્સમેન પણ છે. તાજેતરમાં યોજાયેલી CPL 2021 માં રધરફોર્ડે 37.57 ની સરેરાશ અને 127.67 ની સ્ટ્રાઈક રેટથી 263 રન બનાવ્યા હતા. રધરફોર્ડ અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ માટે 6 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે.

આ સાથે જ આઇપીએલની 14 મી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની હાલત ખૂબ જ ખરાબ છે. આ ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે. કેન વિલિયમ્સનની કેપ્ટનશીપ હેઠળ આ ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે જેમાં તેણે માત્ર એક મેચ જીતી છે જ્યારે તેણે સાત મેચ ગુમાવી છે. આ ટીમ પાસે હાલમાં માત્ર 2 પોઇન્ટ છે અને આ ટીમ જીતવા માટે સખત મહેનત કરી રહી હોય તેવું લાગે છે.

તમને જણાવી દઈએ કે યુએઈ લેગની પ્રથમ મેચમાં બુધવારે હૈદરાબાદનો સામનો દુબઈમાં દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો. આ મેચમાં હૈદરાબાદને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હૈદરાબાદની ટીમે પ્રથમ રમતા 20 ઓવરમાં 9 વિકેટે 134 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે 17.5 ઓવરમાં 2 વિકેટે 139 રન બનાવીને મેચ જીતી લીધી હતી. હૈદરાબાદ હવે આગામી મેચ 25 સપ્ટેમ્બરે પંજાબ કિંગ્સ સામે રમવાની છે.

YC