RCBની સાથે મુંબઈ અને આ દિગ્ગજ ટીમો પણ IPL 2024ની રેસમાંથી થઇ શકે છે બહાર, જુઓ કેવું છે નવું સમીકરણ

શું હજુ પણ RCB પ્લેઓફમાં આવી શકે છે ? જાણો કેવી રીતે ? MI સાથે સાથે આ ટીમો પર પણ પ્લે ઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.. જુઓ કેવા છે સમીકરણો

IPL 2024 playoffs scenario : IPL 2024માં પ્લેઓફના સમીકરણો ફરી એકવાર બદલાતા જોવા મળી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ ઘણી મહત્વની હતી. આ મેચ પહેલા બંને ટીમો 7 મેચ રમી હતી. તેમજ ચાર મેચ જીત્યા બાદ ટીમો આઠ પોઈન્ટ પર ઉભી રહી હતી. પહેલાથી જ નક્કી હતું કે જે પણ ટીમ જીતશે તે પ્લેઓફની નજીક પહોંચી જશે, જ્યારે હારનારી ટીમ માટે મુશ્કેલી વધી શકે છે. અને આમ જ થયું.

એલએસજીએ પોતાની મેચ જીતીને 10 પોઈન્ટ મેળવ્યા છે, જ્યારે સીએસકે ટીમના હજુ માત્ર 8 પોઈન્ટ છે. હવે LSG ચોથા સ્થાને અને CSK પાંચમા સ્થાને પહોંચી ગયું છે. રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં મોખરે છે અને તેણે આઠમાંથી 7 મેચ જીતી છે. ટીમના 14 પોઈન્ટ છે. બીજી કોઈ ટીમ તેની નજીક નથી. હવે દસ પોઈન્ટ સાથે 3 ટીમો છે. KKR, SRH અને LSGના 10-10 પોઈન્ટ છે. જો કે, LSG માટે સમસ્યા એ છે કે KKR અને SRH અત્યાર સુધી માત્ર 7 મેચ રમી છે, જ્યારે LSG હવે 8 મેચ રમી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સના હવે સમાન પોઈન્ટ છે. બંનેએ પોતપોતાની 8 મેચ રમી છે અને ચાર મેચ જીત્યા બાદ તેમના આઠ પોઈન્ટ છે. પરંતુ GTનો નેટ રન રેટ ખૂબ જ ખરાબ છે, તેથી CSK તેનાથી આગળ છે. આજે દિલ્હી અને ગુજરાત વચ્ચે મહત્વની હરીફાઈ છે. જો GTની ટીમ આજે વિજય નોંધાવવામાં સફળ થાય છે, તો GT 10 પોઈન્ટ લઈને CSK કરતા આગળ જઈ શકે છે. જો દિલ્હીની ટીમ આજે જીતવામાં સફળ રહેશે તો તે 8 પોઈન્ટ લઈને જીટી અને સીએસકેની બરાબરી પર આવી જશે.

ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી RCB આ વર્ષની IPLમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે. ટીમના કુલ બે પોઈન્ટ છે. ટીમ હજુ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર નથી થઈ, પરંતુ આગામી દિવસોમાં આવું પણ થઈ શકે છે. આ દરમિયાન આરસીબીની ટીમ તેની બાકીની મેચો રમતી જોવા મળશે. RCB પોતાની બાકીની 6 મેચ જીતે છે અને નેટ રનરેટમાં સુધારો લાવે છે તો તે પણ પ્લે ઓફની રેસમાં સામેલ થઇ શકે છે.

આ સાથે પંજાબ કિંગ્સની 8 મેચોમાં 2 જીતની સાથે ફક્ત 4 પોઈન્ટ છે. ટીમની હવે બાકીની બધી મેચ જીતવી પડશે તોજ પ્લેઓફની રેસમાં ટીમ બની રહેશે. ત્યાં જ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે 8માંથી 3 મેચ જીતી છે. આ બન્ને ટીમોને આગામી 6 મેચોમાં ઓછામાં ઓછી 5 જીત નોંધાવી પડશે ત્યારે પ્લેઓફની રેસમાં બની રહેશે. જો એકથી વધારે મેચ હારશે તો ટૂર્નામેન્ટથી બહાર થઈ શકે છે.

Niraj Patel