અમદાવાદ સાયન્સ સીટીના એકવેટિક ગેલેરી અને રોબોટિક ગેલેરીની 13 રોમાંચક તસવીરો, જોઈને તમે પણ તરત ફેરવા જવાનો પ્લાન બનાવશો

આજે એટલે કે 16 જુલાઈ સાંજે ચાર વાગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કેટલાક નવલા નજરાણાને ખુલ્લા મુકવા જઈ રહ્યા છે. જેમાં ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર બનાવવામાં આવેલ 5 સ્ટાર હોટલ અને અપગ્રેડ કરવામાં આવેલા રેલવે સ્ટેશનનું ઓપનિંગ કરશે. સાથે સાથે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલરીને પણ ખુલ્લા મુકશે.

ત્યારે અમદાવાદ સાયન્સ સીટી ખાતે બનાવવામાં આવેલ એક્વાટિક અને રોબોટિક ગેલેરીની અંદરની તસવીરો જોઈને તમારું પણ મન લલચાઈ જશે અને તમે પણ તેને જોવા માટે આતુર બની જશો. કારણ કે અંદરનો નજારો કોઈને પણ અભિભૂત કરી દેનારો છે. ત્યારે આજે અમે તમને તેની સંપૂર્ણ માહિતી આપીશું.

તમે અત્યાર સુધીના એકવેરિયમ જોયા હશે તેની અંદર તમે એક કાચના બોક્સની અંદર જ માછલીઓને કેદ થયેલી જોઈ હશે, પરંતુ સાયન્સ સિટીમાં બનેલા આ એકવેરિયમનો નજારો જ કંઈક અલગ છે. અહીંયા પહોંચીને તમને એવું લાગશે જાણે કે તમે દરિયાની અંદર જ ફરી રહ્યા છો અને માછલીઓ તમારી આસપાસ વીંટળાઈ રહી છે.

આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે. આ એક્વેટિક ગેલરીનું મહત્ત્વનું પાસું એ છે કે અહીં 188 પ્રજાતિની 11600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે.

અહીં ગેલરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલી જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે, જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.

આ ઉપરાંત સાયન્સ સીટી ખાતે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી તમે રોબોટ વિશે સાંભળ્યું હશે કે પછી તમે ફિલ્મોમાં રોબોર્ટને જોયા હશે પરંતુ આ રોબોટિક ગેલેરીમાં તમે રોબોટને નિહાળી શકશો, તેની સાથે વાત કરી શકશો.

આ રોબોટિક ગેલેરીની અંદર 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે.

ગેલરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને એની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે, જેમ કે મેડિસિન, એગ્રિકલ્ચર, સ્પેસ, ડિફેન્સ વગેરે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવશે. વળી, 16 રોબોગાઈડ અહીં આવનારા મુલાકાતીઓને ગાઈડ કરશે.

આ ઉપરાંત સાયન્સ સીટી ખાતે 20 એકરમાં પથરાયેલા નેચર પાર્કની અંદર 380થી પણ વધારે સ્પીસીસ જોવા મળશે. આ નેચર પાર્કની અંદર મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જિમ અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે.

આ નેચર પાર્કમાં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભુલભુલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે, જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉન્ડેડ સ્લોથ બેર, ઊધઈના રાફડા અને મધપૂડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે.

તો વાત હવે આવે કે આ બધું જોવા માટે તમારા ખિસ્સાને કેટલો તમારે ભાર આપવો પડશે. તો તમને જણાવી દઈએ કે સાયન્સ સીટી ખાતે આજથી ખુલ્લા મુકવામાં આવી રહેલા આકર્ષણોનો ટિકિટ દર પણ સામે આવી ગયો છે.

જેમાં તમારે સાયન્સ સિટીમાં પ્રવેશવા માટેની એન્ટ્રી ફી તરીકે રૂપિયા 50 ચૂકવવા પડશે. જો તમે એકવેટિક ગેલેરી જોવા ઈચ્છો છો તો તેના માટેનો ટિકિટ દર 250 રૂપિયા રાખવામાં આવ્યો છે. એવી જ રીતે રોબોટિક ગેલેરીની ટિકિટનો દર પણ 250 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત 5ડી થિયેટરની ટિકિટ 150 રૂપિયા છે.

આ ઉપરાંત પણ બીજા ઘણા બધા આકર્ષણો છે જેના માટે અલગ અલગ ટિકિટ દર રાખવામાં આવ્યો છે. જો તમે સાયન્સ સિટીમાં રહેલા બધા જ આકર્ષણોનો આનંદ ઉઠાવવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિ દીઠ 3070 રૂપિયા ખર્ચવા પડશે.

તો હવે અમદાવાદની અંદર પણ ખુલ્લા મુકવામાં આવનાર આ આકર્ષણો દ્વારા ગુજરાતીઓ તેનો આનંદ માણી શકશે. હવે આવા આર્કષણો જોવા માટે વિદેશ જવાની પણ જરૂર નહીં રહે. ત્યારે ગાંધીનગરમાં પણ રેલવે સ્ટેશન ઉપર જે 5 સ્ટાર હોટલનું આજે લોકાર્પણ થવાનું છે તે પણ નિહાળવાનો એક લ્હાવો રહેશે.

Niraj Patel