ઇંગ્લેન્ડની ધરતી ઉપર પણ ભારતીય ટીમે ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહને યાદ કરીને આપી આ ખાસ રીતે શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

ભારતના મહાન રનર મિલ્ખા સિંહના નિધનથી આખો દેશ દુઃખી છે. ખેલ પ્રેમીઓમાં પણ શોકની લહેર પ્રસરી ગઈ છે. દેશભરમાંથી મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે  ત્યારે ભારતીય ટીમ દ્વારા પણ મિલ્ખા સિંહને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પટમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાઈ રહી છે. જેમાં કેન વિલિયમસન દ્વારા ટોસ જીતી અને બોલિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. વરસાદના કારણે મેચના પહેલા દિવસે શુક્રવારના રોજ ટોસ ના થઇ શક્યો, પહેલા દિવસે ટોસ થયા વિના જ મેચ બંધ રહી. જયારે આજે બીજા દિવસે મેચની શરૂઆત થઇ છે.

મેચની શરૂઆત પહેલા જ ભારતીય ટીમ બ્લેક આર્મબેન્ડ પહેરીને ઉતરી હતી. જેનું કારણ ખુબ જ ભાવુક કરી દેનારું છે. 18 જૂનના રોજ મિલ્ખા સિંહનું નિધન થયું જેના કારણે ભારતીય ટીમ ખભા ઉપર કાળી પટ્ટી બાંધીને રમવા માટે ઉતરી હતી.

આ મુકાબલો શરૂ થતા પહેલા બીસીસીઆઈએ પોતાના અધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર આ વિશેની જાણકારી અપાઈ છે. બીસીસીઆઈ દ્વારા લખવામાં આવ્યું છે કે “ટીમ ઇન્ડિયા મિલ્ખા સિંહના સન્માનમાં બ્લેક બેન્ડ પહેરી અને રમી રહી છે. જેમનું કોરોનાના કારણે નિધન થઇ ગયું છે.”

બીસીસીઆઈની ટ્વીટ બાદ મિલ્ખા સિંહના ચાહકો પોસ્ટ ઉપર કોમેન્ટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા લોકો ટીમ ઇન્ડિયાના આ કાર્ય માટે પ્રસંશા પણ કરી રહ્યા છે. મિલ્ખા સિંહના નિધનથી સમગ્ર ખેલ જગતમાં પણ શોક વ્યાપી ગયો છે. વિરાટ કોહલીએ પણ ટ્વીટ કરી અને મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

Niraj Patel