વિદેશમાં વધુ એક ભારતીયની હત્યા, કેનેડામાં 24 વર્ષના વિદ્યાર્થીને કારમાં જ ગોળી મારીને ઉતારી દેવાયો મોતને ઘાટ, જાણો સમગ્ર મામલો

Indian Student Killed In Canada : ભારતમાંથી ઘણા લોકો વિદેશ ફરવા માટે, ભણવા માટે કે કમાવવા માટે જતા હોય છે. ત્યારે છેલ્લા થોડા સમયમાં જ વિદેશની અંદર ભારતીયોના મોતનો મામલાઓ પણ સતત સામે આવી રહ્યા છે. કોઈનું અપહરણ કરીને હત્યા કરી દેવામાં આવે છે, તો કોઈની લૂંટના ઇરાદે પણ હત્યા કરી દેવામાં આવતી હોય છે. હાલ એક એવો જ મામલો કૅનૅડામાંથી સામે આવ્યો છે, જ્યાં એક 24 વર્ષના વિદ્યાર્થીની કારમાં જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

કેનેડામાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેનેડાના સાઉથ વેનકુવરમાં ઓડી કારમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી છે. કેનેડા પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ ચિરાગ અંતિલ છે. ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો વિદ્યાર્થી કારની અંદરથી મળી આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, 12 એપ્રિલે રાત્રે લગભગ 11 વાગ્યે તેમને જાણ કરવામાં આવી હતી કે 55 એવન્યુ નજીક ગોળીબારનો અવાજ સંભળાયો છે. જ્યારે પોલીસ પહોંચી ત્યારે અંતિલ મૃત હાલતમાં હતો. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જોકે પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે. અંતિલ હરિયાણાના સોનીપતનો રહેવાસી છે અને અભ્યાસ પૂરો કરવા કેનેડા ગયો હતો. તેનો પરિવાર શહેરના સેક્ટર 12માં રહે છે. હત્યાના સમાચાર મળતા પરિવારમાં શોકનો માહોલ છે.

મૃતકના ભાઈ રોમિત અંતિલે જણાવ્યું કે ચિરાગ એમબીએનો અભ્યાસ કરવા કેનેડા ગયો હતો. તેણે એમબીએ પૂરું કર્યું હતું અને વર્ક વિઝા પર સિક્યુરિટી કંપનીમાં કામ કરતો હતો. વાનકુવર પોલીસે ચિરાગ અંતિલના મૃત્યુ અંગે પરિવારને ટપાલ દ્વારા જાણ કરી હતી. ચિરાગના ભાઈએ જણાવ્યું કે સવારે જ વાત થઈ હતી. તે સમયે તે ખુશ જણાતો હતો. આ પછી તે પોતાની કારમાંથી ક્યાંક નીકળી ગયો હતો.

સ્થાનિક મીડિયા અનુસાર, ચિરાગ એન્ટિલનો પરિવાર તેના મૃતદેહને ભારત મોકલવા માટે ક્રાઉડ ફંડિંગ કરી રહ્યો છે. રોમિતે કહ્યું, અમારા ભાઈ સાથે અમારા ખૂબ સારા સંબંધો હતા. અમે રોજ વાતો કરતા. હત્યા પહેલા અમે થોડી વાત પણ કરી હતી. તેણે ક્યારેય કોઈની સાથે ઝઘડો કર્યો નથી અને ખુશ રહે છે. લોકો સાથે તેમનું વર્તન પણ સારું હતું. ચિરાગ સપ્ટેમ્બર 2022માં કેનેડા ગયો હતો.

Niraj Patel