બોલિવૂડના સૌથી લોકપ્રિય સંગીત દિગ્દર્શકોમાંના એક અને સારેગામાપાના જજ તરીકે જોવા મળતા હિમેશ રેશમિયા તેમના ગીતો કરતાં વધુ તો રિયાલિટી શોને કારણે ચર્ચામાં રહે છે. હિમેશ રેશમિયા કોઇના કોઇ કારણસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ તેમને તેમની પત્ની સોનિયા કપૂર સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે સોનિયા સાથે હાઇટ મેચ કરવા જે કર્યુ હતુ કે તે પેપરાજીના કેમેરામાં કેદ થઇ ગયુ હતુ. જેના કારણે તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. (તસવીરો: ધવલરાજસિંહ ચૌહાણ)
ત્યારે હવે તે બીજા કારણોસર ચર્ચામાં આવ્યા છે. હાલમાં હિમેશ રેશમિયાએ પરિવાર સાથે સાળંગપુર હનુમાનજી દર્શન કર્યા હતા અને તેમણે કહ્યુ કે, અહીં આવવાનો મોકો મળ્યો તે મારા માટે અદભૂત છે. સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરી એક અલગ પ્રકારની વાઈબ્રન્ટની અનુભૂતિ વ્યક્ત કરી. તેમણે પ્રાર્થના કરી કે, બરકત મળે અને આરોગ્ય સારું રહે. કોવિડ ખતમ હુઆ હે હમારા દેશ આગે બઢે વહી દાદા પાસે પ્રાથના કરી.
જણાવી દઇએ કે, હિમેશ રેશમિયા પત્ની અને પરિવાર સાથે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પહોંચ્યા છે. તેમણે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર્શન પણ કર્યા હતા. તેઓ તેમની માતા, પત્ની અને પરિવાર સાથે ખાસ દર્શન કરવા માટે આવ્યા હતા. જેમાં હિમેશ રેશમિયાએ દર્શન કરી અલગ અનુભૂતિ થયાનું નિવેદન આપ્યું છે. બોટાદના બરવાળાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ખાતે 16 માર્ચના રોજ એટલે કે આજે હિમેશ રેશમિયા દર્શન માટે પધાર્યા હતા.
મૂળ ગુજરાતી હિમેશ રેશમિયાએ કહ્યું કે મારા માતા અને પરિવાર સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા ફૂલહાર પહેરાવી કષ્ટભંજન હનુમાનજી મહારાજની છબી અર્પણ કરી સ્વાગત સન્માન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, હિમેશ રેશમિયા તેના અંગત જીવનને કારણે પણ ઘણા ચર્ચામાં રહ્યા છે. હિમેશે વર્ષ 2017માં તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપીને 22 વર્ષ જૂના સંબંધોનો અંત આણ્યો હતો. આ પછી, તેણે 11 મે 2018ના રોજ સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા. હિમેશ અને સોનિયાના લગ્ન ઘણા સમાચારોમાં હતા. આ સાથે આ કપલ તેમના ફેન્સમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.
બંને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર એકબીજા સાથે પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરતા હોય છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં હિમેશ રેશમિયા સિંગિંગ રિયાલિટી શો સા રે ગા મા પામાં જજ તરીકે જોવા મળે છે. જેમાં તેની સાથે અન્ય બે જજ વિશાલ દદલાની અને શંકર મહાદેવન પણ છે. આ સિવાય હિમેશ રેશમિયાએ ઘણા સિંગિંગ રિયાલિટી શોને જજ કર્યા છે.
હિમેશ રેશમિયાનો જન્મ મહારાષ્ટ્રનાં મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો અને તેઓ મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાનાં મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીતનિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ ‘તેરે નામ’થી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી.
તેમના ગીતો જેવાં કે, ‘તેરા સુરૂર’, ‘ઝરા ઝૂમ ઝૂમ’ અને ‘તનહાઇયાં’ ખૂબ જ લોકપ્રિય થયા છે. આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ‘આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરી’ સફળ થઈ હતી. જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોને સારો પ્રતિભાવ મળ્યો ન હતો.