પરિવારને આટલા કરોડ આપ્યા: અલ્લુનું દિલ પીગળ્યું, પીડિત પરિવારને કરોડો રૂપિયાનું મદદનું એલાન

અલ્લુ અર્જુન અને ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ફિલ્મના રીલિઝના દિવસે શો દરમિયાન થયેલી ઘટનાને લઇને મૃતક મહિલાના પરિવારને 2 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં, અલ્લુ અર્જુનના પિતા અને જાણીતા નિર્માતા અલ્લુ અરવિંદે બુધવારે તેજા સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી. પીડિતને મળ્યા બાદ અલ્લુ અરવિંદે મીડિયાને જણાવ્યું કે, ચેક તેલંગાણા સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષને સોંપવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે અલ્લુ અરવિંદે કહ્યું કે છોકરા અને તેના પરિવારને મદદ કરવા માટે ફિલ્મ યુનિટે 2 કરોડની નાણાકીય સહાય આપવાનું નક્કી કર્યુ છે. અલ્લુ અર્જુને આ સહાયમાં 1 કરોડ રૂપિયા જ્યારે ફિલ્મના નિર્માતા મિથરી મૂવીઝે 50 લાખ રૂપિયા અને ફિલ્મના નિર્દેશક સુકુમારે પણ પરિવારને 50 લાખ રૂપિયા આપ્યા છે. નાસભાગની ઘટનાના બે દિવસ બાદ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુને પરિવાર માટે 25 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી.

તેણે છોકરાના મેડિકલ ખર્ચ સહિત પરિવારને તમામ મદદની ખાતરી આપી હતી, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના મેનેજર પણ છોકરાની સ્થિતિ વિશે અપડેટ્સ મેળવવા માટે પરિવારના નિયમિત સંપર્કમાં છે. પીડિત પરિવારને તેલંગાણા સરકાર અને અલ્લુ અર્જુન બંને તરફથી સમર્થન મળી રહ્યું છે. આ દરમિયાન રાજ્ય સરકારના મંત્રી કોમાટિરેડ્ડી વેંકટ રેડ્ડીએ પીડિત પરિવારને 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે. પીડિત છોકરાના પિતાએ કહ્યું કે, 20 દિવસ પછી તેમણે તેમના પુત્રના શરીરમાં થોડી હલચલ જોઈ.

તેણે કહ્યું, “તેણે આંખો પણ ખોલી, પરંતુ અમારામાંથી કોઈને ઓળખ્યા નહીં.” જણાવી દઇએ કે સંધ્યા થિયેટરમાં નાસભાગમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર તેજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કેસમાં 13 ડિસેમ્બરે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ચિક્કડપલ્લી પોલીસે ઇરાદા વગરની હત્યાનો કેસ નોંધ્યો હતો અને મંગળવારે અલ્લુ અર્જુનની ત્રણ કલાકથી વધુ પૂછપરછ કરી હતી.

અલ્લુ અર્જુનને તેલંગાણા કોંગ્રેસના ધારાસભ્ય ભૂપતિ રેડ્ડીએ ચેતવણી આપી કે તેઓ સીએમ રેવંત રેડ્ડી વિરુદ્ધ કોઈપણ પ્રકારની ટીકા સહન કરશે નહીં.તેમણે મંગળવારે કહ્યું કે જો અલ્લુ અર્જુન સીએમ રેડ્ડી પર ટિપ્પણી કરે તો તેમની ફિલ્મો રાજ્યમાં રિલીઝ નહીં થવા દઈએ.

Shah Jina