50થી વધુ દિવસથી જેલમાં બંધ દેવાયત ખવડને લઇને આવ્યા મોટા સમાચાર, જાણો ફટાફટ

‘રાણો રાણાની રીતે’ ફેમ લોકસાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટમાં એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો અને આ દરમિયાનના CCTV સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ મામલો ઘણો બિચકાયો હતો. મયુરસિંહ રાણા નામના વ્યક્તિને દેવાયત ખવડ અને તેના સાગરિતો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટના 7 ડિસેમ્બર 2022ના રોજ રાજકોટના સર્વેશ્વર ચોક નજીક બની હતી, જ્યારે મયૂરસિંહ પોતાની ઓફિસથી ઘરે જમવા જઈ રહ્યો હતો ત્યારે ખવડે તેના પર હુમલો કર્યો હતો.

આ મામલા બાદ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો અને તેના ઘરે અને મૂળ વતન ખાતે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યુ હતુ. જો કે, ખવડ અંડરગ્રાઉન્ડ થઇ ગયા હોવાથી પોલિસ તેને શોધી શકી નહોતી. ખવડે 10 દિવસ ફરાર રહ્યા બાદ પોલિસ સમક્ષ સરેન્ડર કર્યું હતું અને પછી તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. ત્યારે 19 ડિસેમ્બરના રોજ ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા તેમને જેલ હવાલે કરાયા હતા.

ત્યારે એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. કાવતરું રચીને ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારે આ કેસમાં દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટે ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી છે. ચાર્જશીટ થયા બાદ આરોપી ફરી અરજી કરી શકે તેવી હાઇકોર્ટે છૂટ આપી છે. જણાવી દઇએ કે, ખવડ છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે,

આ પહેલા જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ખવડ અને કાના રબારીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ પહેલા પણ અન્ય આરોપી કિશનના રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. ખવડે સરન્ડર કરતા પહેલા પોલીસથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી અને ખવડ પોલીસની પકડથી દૂર હોવાથી ક્ષત્રિય સમાજના આગેવાનો આગળ આવ્યા હતા અને વિરોધ કર્યો હતો. તેમણે પોલીસ પર જ સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો.

Shah Jina