મહાતોફાન બિપરજોય : ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે પવન સાથે ધોધમાર વરસાદ, હજુ પણ ત્રણ દિવસ કઠિન…

ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ:પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં અનેક વૃક્ષો ધરાશાયી, વાવમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા

Biparjoy Cyclone Updates: ચક્રવાત બિપરજોય, 10 દિવસ સુધી અરબી સમુદ્રમાં છવાયા બાદ ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક દસ્તક દીધી અને ગુરુવારે સાંજે 7 વાગ્યે લેન્ડફોલ એટલે કે ટકરાવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ. હવામાન વિભાગે જણાવ્યું હતું કે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય ઉત્તર અરબી સમુદ્રમાંથી 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચ્યું હતું. તેની સ્પીડ 140 કિમી પ્રતિ કલાક સુધી પણ હોઈ શકે છે.

વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે 10 થી 14 મીટર જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. ભારે પવનને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને થાંભલા પડી જવાના બનાવો પણ નોંધાયા છે. લેન્ડફોલ પહેલા, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને પવન પણ ખૂબ જ ભારે હતો. અનેક જગ્યાએ વીજળી ડુલ થઈ ગઈ હતી. ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ એલર્ટ યથાવત છે અને શાળાઓ પણ બંધ કરી દેવાઇ છે.

ચક્રવાત બિપરજોય ગુજરાતમાં પ્રવેશ્યું જેને કારણે અનેક જગ્યાએ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ વરસ્યો. વાવાઝોડાને કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છના દરિયા કિનારા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના 7 જિલ્લા અને 450થી વધુ ગામડાઓમાં એલર્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યના મુખ્યમંત્રી પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. એક તરફ ગુજરાતમાં લેન્ડફોલ દરમિયાન નુકસાનની આશંકાએ વહીવટીતંત્ર અને લોકોની ચિંતા વધારી છે,

તો બીજી તરફ, બિપરજોયની ‘આફ્ટર ઈફેક્ટ’ને લઈને તણાવ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તોફાનથી થયેલા નુકસાનનો અંદાજ શુક્રવારે એટલે કે આજે જ લગાવી શકાય છે, પરંતુ ચક્રવાતને કારણે શુક્રવારે સવારે ભારે વરસાદની આશંકા જતાવવામાં આવી હતી. હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી. શુક્રવારે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ રહેશે. બીજી તરફ જો વરસાદ પડશે તો વહીવટીતંત્ર અને લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થશે.

કારણ કે, વાવાઝોડાને કારણે થયેલા ડિસલોકેશનને રિપેર કરવામાં વધુ સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, અરબસાગરમાં સર્જાયેલું બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું અને તેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પાટણ, બનાસકાંઠા, તેમજ મહેસાણા અને સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયા અને ભારે વરસાદથી નડાબેટ રણમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

આ ઉપરાંત વાવ તાલુકામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા હતા અને આને કારણે લોકો પરેશાન થઇ ગયા હતા. દાંતા તાલુકાના ગામોમાં પણ બિપરજોયની અસર જોવા મળી હતી અને રાત્રે 8 વાગ્યાથી યાત્રાધામ અંબાજીમાં તોફાની પવન સાથે વરસાદની એન્ટ્રી થઇ હતી. ભુજમાં ભારે પવન સાથે વરસાદ વરસ્તા સૂનકાર છવાયો હતો અને નડાબેટ નજીકનું રણ તો દરિયો બની ગયુ હતું. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડાની અસરને પગલે રાજકોટ શહેર સહિત ગોંડલ, જેતપુર, ઉપલેટા સહિતના પંથકમાં પણ મોડીરાતથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જામનગરના જામજોધપુરના સીદસર ગામ પાસેનો ઉમિયા સાગર ડેમ સૌ ટકા ભરાઈ ગયો હોવાથી ડેમનો એક દરવાજો સવારે 5.45 વાગ્યે 0.325 ફુટે ખોલવામાં આવ્યો અને ડેમમાં હાલ 274ના પ્રવાહની આવક છે. જણાવી દઇએ કે, વાવાઝોડું ભલે પસાર થયું પણ હજુ ખતરો નથી ટળ્યો. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina