ગોંડલ રામજી મંદિરના હરિચરણદાસ બાપુની પાલખી પહોંચી નર્મદા તટે, 100 વર્ષની વયે લીધા છેલ્લા શ્વાસ

ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ ગઇકાલના રોજ બ્રહમલીન થયા હતા. તેમના દેવલોકથી ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હકી, તેમણે ગોંડલ આશ્રમ ખાતે બ્રહ્મ મુહૂર્તમાં છેલ્લા શ્વાસ લીધા હોવાનું સામે આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બાપુએ 100 વર્ષ પૂર્ણ કર્યા હતા અને ત્યારે શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેમની આજે અંતિમવિધિ કરવામાં આવી રહી છે. તેમના પાર્થિવ દેહને રાજકોટ રણછોડદાસ આશ્રમમાં લાવવામાં આવ્યો હતો અને તેમનો પાર્થિવદેહ હાલ નર્મદા તટે પહોંચ્યો છે.

ત્યાં ગોરા આશ્રમ ખાતે તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગુરુભાઇઓ સહિત તેમના ભકતો ઉમટી પડ્યા છે. થોડી જ વારમાં બાપુના અનુગામી જેરામદાસ મહારાજના હસ્તે તેમના પાર્થિવદેહને મુખાગ્નિ આપવામાં આવશે. સોમવારના રોજ તેમના દર્શન માટે ભાઇ રમેશ ઓઝા અને ગોંડલના મહારાજા હીમાંશુસિંહ પહોંચ્યા હતા. તે બંને વચ્ચે ઘણા દાયકાઓ જૂનો સંબંધ છે. આ સાથે જ ચેતેશ્વર પૂજારા જે ક્રિકેટર છે તે પણ બાપુના અંતિમ દર્શન માટે પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા.

ચેતેશ્વર પૂજારા હરિચરણદાસ બાપુમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે અને તેઓ જયારે પણ ભારત માટે રમવા જાય છે ત્યારે સીરીઝ શરૂ થતા પહેલા પરિવાર સાથે બાપુના આશીર્વાદ જરૂર લેવા જાય છે. પોતાનો જન્મદિવસ હોય કે પત્નીનો કે પછી લગ્નની વર્ષગાંઠ હોય અથવા તો ગુરુ પૂર્ણિમા હોય તેઓ બાપુના આશીર્વાદ ચોક્કસથી લે છે, આ સાથે પૂજન-અર્ચન કરી તેમની આરતી પણ ઉતારે છે. બાપુની વાત કરીએ તો, હરિશ્ચંદ્ર મિસરાજ તેમનું મૂળનામ હતુ, તેઓનો જન્મ બિહારના પંજરવામાં 1921માં ચૈત્ર સુદ છઠ્ઠના દિવસે થયો હતો.

તે બાદ તેમણે 1955માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું. તેઓ છેલ્લા સીત્તેર વર્ષથી અહીં રહી સેવા કરી રહ્યા છે. તેમણે 34 વર્ષની ઉંમરે આશ્રમનું સંચાલન હાથમાં લાધુ હતુ. બાપુને શ્વાસની સમસ્યા અને ઇન્ફેક્શન થયાનું તેમજ તેમની હાલત ગંભીર હોવાનું કિશોરભાઇ ઉનડકટે જણાવ્યુ હતુ. રઘુવંશી સમાજમાં રણછોડદાસ બાપુ બાદ હરિચરણદાસ બાપુનુ મહત્ત્વ ખૂબ જ વધુ છે.

Shah Jina