ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચાડી કેપ્ટન હાર્દિક પંડ્યા થયો ભાવુક, ટીમની સફળતાને લઇને કહી દિલને સ્પર્શી જાય તેવી વાત

IPL 2022ના પહેલા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સની ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવી દીધુ છે. ડેવિડ મિલરે કમાલની પારી રમી અને ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. કિલર મિલર એટલે કે ડેવિડ મિલરે 38 બોલમાં 68 રન માર્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 5 છક્કા પણ ફટકાર્યા હતા. આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 40 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સની જીત બાદ બંને ખેલાડી એટલે કે હાર્દિક પંડ્યા અને મિલર એકબીજાને ગળે મળી જીતનો જશ્ન મનાવતા મેદાન પર નજરે પડ્યા હતા. મિલરે જીતનો જશ્ન ઘણો જોશીલા અંદાજમાં મનાવ્યો હતો.કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાને ગુજરાતને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે 3 બોલ બાકી રહેતા ગુજરાતની ટીમે હાંસલ કરી લીધો હતો.

જીત બાદ હાર્દિક પંડ્યાએ પોતાની ટીમના ખેલાડીઓના વખાણ કર્યા હતા. તેણે પોતાના પરિવારનો પણ આભાર માન્યો હતો. ગુજરાતની આ જીતમાં ડેવિડ મિલરે મહત્વની ભૂમિકા ભજવી હતી. મિલરે 68 રનની અણનમ ઇનિંગ રમી અને કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે ચોથી વિકેટ માટે અણનમ સદીની ભાગીદારી પણ નોંધાવી.હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું, ‘મેં મારા જીવનમાં વસ્તુઓને સંતુલિત કરવાનું શરૂ કર્યું છે.

છેલ્લા કેટલાક સમયથી આ માટે પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ અંતે મારા પરિવાર, મારા પુત્ર, મારી પત્ની અને મારા ભાઈ સહિત પરિવારે મોટી ભૂમિકા ભજવી છે. તેમણે મને જીવનમાં તટસ્થ રહેવાની છૂટ આપી. હું ઘરે જઈને મારા પરિવાર સાથે થોડો સમય વિતાવવા માટે ઉત્સુક છું, જેના કારણે મને વધુ સારો ક્રિકેટર બનવામાં મદદ મળી છે. હાર્દિક તેની ફિટનેસને લઈને ખૂબ ચિંતિત હતો. આ કારણે તે લાંબા સમય સુધી મેદાનની બહાર રહ્યો હતો.

જ્યારે તે પાછો ફર્યો ત્યારે તે બોલિંગ કરી શક્યો ન હતો. હવે તેણે બોલિંગ શરૂ કરી અને આઈપીએલની વર્તમાન સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું. તેણે વધુમાં કહ્યું, ‘અત્યારે વધુ વિચારી રહ્યો નથી. ટીમના તમામ 23 ખેલાડીઓ અલગ-અલગ પાત્રોમાં છે, તેઓ બધા સ્પર્ધામાં અલગ-અલગ વસ્તુઓ લાવે છે. મેં ડેવિડ મિલરને હમણાં જ કહ્યું હતું કે જો તમારી આસપાસ સારા લોકો હોય તો તમને સારી વસ્તુઓ મળે છે. રાશિદ ખાને સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

મને મિલર પર ગર્વ છે. મેં તેને કહ્યું કે રમતનું સન્માન કરવું જોઈએ. અમે મુંબઈ ઈન્ડિયન્સ સામે ભૂલ કરી હતી અને અહીં રમતનું સન્માન કરવા ઈચ્છતા હતા. અમે બંને મેચ પૂરી કરવા માગતા હતા. જ્યાં પણ મારી ટીમને મને રમવાની જરૂર હોય ત્યાં હું ઉતરુ છું. હું સામાન્ય રીતે પૂછતો નથી કે મારે ક્યાં બેટિંગ કરવી છે. મેં ટીમ માટે રમીને સફળતા મેળવી છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે દરેક આ સફળતામાં જોડાય.

Shah Jina