Hanuman idol was removed from the Kundal : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા સાળંગપુર પરિસરમાં બનાવેલી 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે લાગેલા ભીંતચિત્રોને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. જે આજે શાંત પડ્યો છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા આ વિવાદિત ભીંતચિત્રોને આજે સૂર્યોદય પહેલા જ ઉતારી લેવામાં આવ્યા. આ ઉપરાંત કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પણ હનુમાનજીની મૂર્તિ મુકવામાં આવી હતી. જેમા દર્શાવવામાં આવ્યુ છે કે, હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરી રહ્યા છે.
કુંડળ ધામમાંથી વિવાદિત પ્રતિમા દૂર કરી :
આ પ્રતિમાને લઈને પણ વિવાદ સર્જાયો હતો ત્યારે હવે સાળંગપુરના ભીંતચિત્રો ઉતારી લીધા બાદ બોટાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી પણ આ હનુમાનજીની મૂર્તિ હટાવવામાં આવી છે. કુંડળ સ્વામિનારાયણ મંદિના વહીવટી તંત્ર દ્વારા આ મૂર્તિ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. હનુમાનજીની ફળાહાર અર્પણ કરતી મૂર્તિને હટાવ્યા બાદ હવે કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં માત્ર નીલકંઠવર્ણીની મૂર્તિ જોવા મળી રહી છે.
સાધુ સંતો અને હનુમાનજીના ભક્તોમાં હતો રોષ :
કુંડળ સ્વામીનારાયણ મંદિર પરિસરમાં આ પ્રતિમાને પાર્કિંગની પાસે બનાવેલા બગીચામાં રાખવામાં આવી હતી. આ મૂર્તિને લઈને પણ સનાતની સાધુ-સંતો, હિન્દૂ સંગઠનો અને ભક્તોમાં નારાજગી જોવા મળી હતી અને વિરોધના વંટોળ પણ છવાયા હતા. ત્યારે આ મૂર્તિને હટાવવા માટે ધર્મ ગુરુઓ અને હિન્દૂ સંગઠનો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી, આ ઉપરાંત કેટલાક સાધુઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ માંગણી કરવામાં આવી હતી.
વિવાદ પહેલા જમીન પર બેસાડ્યા હતા હનુમાન દાદાને :
આ પ્રતિમાને લઈને એવી વાત પણ સામે આવી હતી કે વિવાદ વકર્યો એ પહેલા હનુમાન દાદાની પ્રતિમાને જમીન પર જ મુકવામાં આવી હતી, પરંતુ વિવાદ વકર્યા બાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા હનુમાનજીની પ્રતિમાની નીચે આસાન સ્વરૂપે એક પથ્થર રાખવામાં આવ્યો. પરંતુ હવે હનુમાન દાદાની આ પ્રતિમાને ત્યાંથી હટાવી લેવામાં આવી છે. સાળંગપુરમાં થેયલા આ વિવાદને લઈને સરકારે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો અને ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની મિટિંગ થઇ હતી. જેના બાદ ભીંતચિત્ર હટાવવાનો નિર્ણય થયો.