છેલ્લા થોડા ઘણા સમયથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ વધ્યો છે. દુલ્હા-દુલ્હન તેમના લગ્નને ખાસ અને યાદગાર બનાવવા માટે કંઇ પણ કરવા તૈયાર રહેતા હોય છે. ઘણા કપલ તો લગ્નને યાદગાર બનાવવા અલગ અલગ રીતો પણ અજમાવે છે. કોઇ એન્ટ્રી ખાસ બનાવે છે તો કોઇ ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરે છે, તો કોઇ ફૂડમાં લાખો રૂપિયા ખર્ચે છે.
જો કે, હાલમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં ગુજરાતી યુગલ 12 હજાર ફૂટની ઊંચાઈ અને માઈનસ 25 ડિગ્રી તાપમાનમાં લગ્ન કરતુ જોવા મળી રહ્યુ છે. દુલ્હાએ તેની દુલ્હનની જીદ પૂરી કરવા માટે કાઝાથી લગભગ 20 કિમી દૂર સ્પિતિના મોરાંગ ગામમાં બરફની વચ્ચે લગ્ન કર્યા.
આ પ્રેમી જોડાનું નામ છે આર્યા વોરા અને રણજીત. આર્યાની જીદને કારણે રણજીતે અહીં લગ્નમંડપ સજાવ્યો અને કાઝાના મોરાંગ ગામમાં હિમવર્ષા અને માઈનસ 25 ડિગ્રી તાપમાનમાં લગ્ન કર્યા. ગુજરાતના આ પ્રેમી જોડાની હિંદુ રીતિ-રિવાજ મુજબ યોગ્ય મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ સંપન્ન થઈ હતી.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે વાહનો બરફથી ઢંકાયેલા છે અને પહાડોની વચ્ચે પાર્ક કરેલા છે. કન્યા કારમાંથી બહાર નીકળે છે અને કેમેરામેન તેની તસવીરો લે છે. વીડિયોમાં બરફના પહાડો વચ્ચે સુશોભિત મંડપ પણ જોવા મળી રહ્યો છે. વર-કન્યાના કેટલાક મિત્રો અને સંબંધીઓ પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.
View this post on Instagram