અમુલની ગોલ્ડન જ્યુબિલીમાં આપ્યું ગીતાબેન રબારીએ દમદાર પર્ફોમન્સ, રામભક્તિના ગીતો પર ચાહકોને બરાબર ઝુમાવ્યા, જુઓ
Gitaben Rabari Performance Amul’s Golden Jubile : “અમૂલ” આ નામને આજે કોઈ ઓળખની જરૂર નથી. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક જણ પેકેજ્ડ દૂધ બ્રાન્ડ અમૂલથી પરિચિત હશે. ગુજરાતમાંથી આઝાદી પહેલા શરૂ થયેલી સફર આજે એક મોટા બિઝનેસ અને દેશની નંબર વન મિલ્ક બ્રાન્ડમાં પરિવર્તિત થઈ છે. ગુરુવારે, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડનું સંચાલન કરે છે, તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યું છે અને આ પ્રસંગે આયોજિત સમારોહમાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૂલને વિશ્વની નંબર 1 ડેરી કંપની બનાવવાની ખાતરી આપી.
ત્યારે અમુલ ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરવામાં આવી હતી, જેમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર ગુજરાતની કોકીલકંઠી અને કચ્છી કોયલ તરીકે નામના બનાવી ચૂકેલા ગીતાબેન રબારીએ પોતાના સુમધુર સુરથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ગીતાબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયામાં આ ક્રાયક્રમની કેટલીક તસવીરો શેર કરી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. ગીતાબેન રબારીએ આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “અમૂલ સુવર્ણ જયંતિની ઉજવણી માટે શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની કેટલીક ઝલક.”
ગીતાબેને પોતાના પર્ફોમન્સ દરમિયાન ઘણા બધા ગીતો પણ ગાયા હતા, આ સાથે જ તેમને રામભક્તિના કેટલાક ભજનો ગાતા જ ત્યાં ઉપસ્થિતિ સૌ લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં ગીતાબેન રબારી પોતાના પારંપરિક પરિધાનમાં જોવા મળ્યા હતા. તેઓ જ્યાં પણ કાર્યક્રમ કરે છે ત્યાં તે પારંપરિક પરિધાનમાં જ જોવા મળે છે અને ચાહકોને પણ તેમનો આ અંદાજ ખુબ જ પસંદ આવે છે.
તમને જણાવી દઈએ કે આજે અમૂલ બ્રાન્ડે સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. માત્ર દૂધની જ નહીં પરંતુ આ કંપનીના અન્ય ઉત્પાદનોની પણ ભારે માંગ છે. જેમાં મિલ્ક પાવડર, હેલ્થ બેવરેજીસ, ઘી, માખણ, ચીઝ, પિઝા ચીઝ, આઈસ્ક્રીમ, પનીર, ચોકલેટ અને પરંપરાગત ભારતીય મીઠાઈઓનો સમાવેશ થાય છે.
ગુરુવારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના સુવર્ણ જયંતિ સમારોહમાં પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ અમૂલ બ્રાન્ડની પ્રશંસા કરી હતી અને તેને સહકારની તાકાત ગણાવી હતી. વડાપ્રધાને કહ્યું કે, 50 વર્ષ પહેલાં ગુજરાતના ગામડાઓએ એકસાથે જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે, જેની શાખાઓ માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ ફેલાઈ ગઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે અમૂલ વિશ્વની આઠમી સૌથી મોટી ડેરી કંપની છે અને તેને વિશ્વની નંબર વન ડેરી કંપની બનાવવી છે. તેમણે કહ્યું કે આવું થશે અને આ ‘મોદીની ગેરંટી’ છે. અમૂલ મિલ્ક કંપનીની 50 વર્ષની સફર ખૂબ જ સફળ રહી છે. તેની શરૂઆત 77 વર્ષ પહેલા વર્ષ 1946માં થઈ હતી.