વડોદરામાં યુવક સાથે લગ્ન કરવા જીદે ચઢેલી 21 વર્ષની યુવતી આખરે પસ્તાઈ અને ભૂલ….

ગુજરાતમાંથી ઘણીવાર અલગ જાતિ-જ્ઞાતિના યુવક સાથેના લગ્નના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર યુવક દ્વારા યુવતિઓને પ્રેમજાળમાં ફસાવવામાં આવતી હોય છે. ત્યારે હાલ વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિ બીજી જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવાની જીદે અડી હતી. ત્યારે યુવતિને અભયમ પાદરા ટીમ દ્વારા સમજાવવામાં આવી અને પરિવારને સોંપવામાં આવી હતી. યુવતિ પરત આવતા પરિવાર તો ખુશખુશાલ થઇ ગયો હતો. અભયન ટીમે આપેલ સલાહ અનુસાર પરિવારે દીકરીની ઇચ્છા મુજબ સમાજના યુવક સાથે લગ્ન કરાવવાની ખાતરી પણ આપી.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત જોઇએ તો, વડોદરા નજીક સેવાસી વિસ્તારમાં રહેતી 21 વર્ષિય યુવતિ સાડીના શો રૂમમાં નોકરી કરે છે અને તેનો પરિચય એક યુવક સાથે થયો હતો જે બાદ તે તેની સાથે લગ્ન કરવાની જીદ પર અડેલી હતી. તે તેની સાથે જતી પણ રહી હતી ત્યારે પરિવાર તેને લેવા માટે ગયો પરંતુ તે પરત ન આવતા પરિવારે 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી અને દીકરીને સમજાવવા વિનંતી કરી, જે બાદ અભય રેસ્કયુ ટીમ પાદરા સ્થળ પર પહોંચી અને તેમણે યુવતિનું કાઉન્સેલિંગ કર્યુ, જે બાદ તે પરિવાર સાથે પરત ફરવા સંમત થઇ હતી.

મળતી માહિતી અનુસાર, યુવતિ યુવક સાથે લગ્ન કરવાની જીદે ચઢી હતી. તેના પરિવારે તેને ઘણી સમજાવી પરંતુ તે માની નહિ અને પરિવારની ઇચ્છા વિરૂદ્ધ લગ્ન કરવાના મક્કમ નિર્ધાર સાથે યુવક સાથે જતી રહી. યુવક બીમાર હોવાના કારણે તે હોસ્પિટલમાં તેની સેવા કરતી હતી. અભયમની ટીમ દ્વારા યુવતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે, તું પુખ્ત વયની છે. તારા જીવન માટેનો કોઈપણ નિર્ણય લેવા તુ સ્વતંત્ર છે. પરતુ, આ નિર્ણયમાં પરિવારની લાગણી દુભાવવી ના જોઇએ.

પ્રતિકાત્મક તસવીર

તેમની સંમતિ હોય તો ભવિષ્યમાં કોઈ આપત્તિ આવે તો તેઓ મદદરુપ બનશે. પેરેન્ટ્સ બાળકોના સારા ભવિષ્ય માટે પ્રયત્ન કરતા હોય છે અને આ ઉપરાંત યુવકનો પરિવાર પણ આ લગ્ન માટે રાજી નથી જેના કારણે તે ભવિષ્યમાં એકલી પડી જશે તેની સંભાવના છે. યુવાન હોવ ત્યારે એકબીજા પ્રત્યે આકર્ષણ થઇ શકે છે, પરતુ, પુખ્ત વિચારથી ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિ વિષે પણ વિચારવું જરુરી છે અને છેલ્લે કોઈપણ નિર્ણય કરવા તમે સ્વતંત્ર છો.

કાઉન્સેલિંગ બાદ યુવતિને પોતાની ભૂલ સમજાઇ હતી અને તે પરિવાર સાથે પરત ફરવા સંમત થઇ જે બાદ તેને પરિવારને સોંપવામાં આવી. તેમણે પરિવારને જણાવ્યુ કે, તેને કોઇ હેરાનગતિ કરવી નહિ અને સમાજમાં યોગ્ય યુવક સાથે તેની મરજીથી લગ્ન કરાવવા. આ વાતમાં પરિવાર સંમત થયો હતો.બંનેના પરિવારજનોએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.

Shah Jina