ૐ શાંતિ: ખેડૂતનો દીકરો જર્મની ગયો, એવી હાલતમાં લાશ મળી કે ધ્રુસકે ધ્રુસકે રડી પડશો, દર્દનાક ઘટના વાંચો

·રવિ હીરપરા, અમરેલી પાસેના લુણીધાર ગામના ખેડૂત પરિવારનો આ હોનહાર દીકરો અનેક સપનાઓ સાથે કારકિર્દી બનાવવા જર્મની ગયો હતો. હજુ અઢી મહિના પહેલા એમનો ફોન આવ્યો ત્યારે ખૂબ ખુશ હતો. મને કહે ‘સર, મને જર્મનીમાં નોકરી મળી ગઈ છે અને અહીંયા સેટ થઈ ગયો છું.”

અત્યંત સરળ સ્વભાવના આ ખૂબ ડાહ્યા દીકરાની બે દિવસ પહેલા જ જર્મનીમાંથી લાશ મળી. ગઈકાલે રાતે રવિના મોતના સમાચાર વાંચ્યા ત્યારથી મન વિચલિત છે. કોઈપણ જાતના વાંક ગુના વગર એક તેજસ્વી પ્રતિભા પૂર્ણપણે પ્રકાશતા પહેલા જ અસ્ત થઈ ગઈ.

ડિસેમ્બર મહિનાની આઠમી તારીખથી રવિનો કોઈ જ સંપર્ક થતો નહોતો. ભારતીય દૂતાવાસે પણ પ્રયત્નો કર્યા પણ કોઈ જ સગળ મળતા નહોતા. બે દિવસ પહેલા જીવ જંતુઓએ શરીરને સંપૂર્ણપણે કોરી ખાધું હોય એવી એક બિનવારસી લાશ મળી.

જોઈને તો કોઈ જ ઓળખી શકે તેમ નહોતું. પરંતુ કેટલાક ચિન્હો અને DNA ટેસ્ટના આધારે સાબિત થયું કે એ રવિ જ હતો. પરિવાર પણ કેવો અભાગિયો ગણવો કે હોનહાર દીકરાના માત્ર અસ્થી જોવા મળશે.

એ માતા-પિતાની પીડા કેવી અસહ્ય હશે જેને રાત દિવસ કાળી મજૂરી કરીને દીકરાને ભણાવી ગણાવી અનેક સપનાઓ સાથે દીકરાને જર્મની મોકલ્યો અને એ દીકરો આ રીતે જતો રહ્યો.

જર્મની કોઈ કે કેનેડા કે પછી બીજા કેટલાક દેશો, ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના ગુમ થવાના અને મૃતદેહ મળવાના કિસ્સા ઘણા છે. હમણાં થોડા સમય પહેલા સુરતના બે યુવાનોના આવી જ રીતે ગુમ થવાના સમાચાર પણ વાંચેલા હતા.કેટલાક મીડિયા દ્વારા બહાર આવે છે અને કેટલાક નથી આવતા.

લૂંટના ઇરાદે કે બીજા કોઈ કારણસર ભારતના ભવિષ્ય સમાન આવા યુવાનો ગુમ થાય અને પછી સીધો જ એનો મૃતદેહ મળે એ કેવી કરુણાંતિકા છે. વિદેશમાં ભણતા કે નોકરી કરતા દીકરા દીકરીઓ વિશેષ સજાગ રહીને સુખી અને સલામત રહે એવી પ્રભુ પ્રાર્થના સાથે પરમકૃપાળુ પરમાત્મા રવિ હીરપરાના આત્માને સદગતિ આપે એવી પ્રાર્થના. ઘરથી દૂર રહીને અભ્યાસ કરતા દીકરા – દિકરીઓ સાથે વાલીઓએ પણ સતત સંપર્કમાં રહેવું

જેથી સંતાનો રસ્તો ભટકી ન જાય. ઘણીવાર કુસંગના કારણે પણ વરવા પરિણામો આવે છે.
(હું તો ભગવાનને એ પ્રાર્થના પણ કરું કે DNA રિપોર્ટમાં અને ઓળખ ચિન્હોમાં કોઈ ભૂલ કે ગેરસમજ હોય અને હજુ આ દીકરો દુનિયાના કોઈ ખૂણે શ્વાસ લેતો હોય )

By Shailesh Sagpariya

YC