સરકારી નોકરીની લાલચમાં આવીને પૈસા આપતા સાવધાન, ગાંધીનગરમાં એક ગેંગ દ્વારા 40 યુવકોને છેતરી 1 કરોડ જેટલી રકમ ખંખેરી

મોટાભાગના લોકો સરકારી નોકરીની આશાઓ રાખતા હોય છે. ત્યારે આવા લોકો ઘણીવાર છેતરપિંડીનો પણ શિકાર બનતા હોય છે, જેની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે, હાલ એવી જ ઘટના સામે આવી રહી છે, જ્યાં સરકારી નોકરીની લાલચ આપીને 40 યુવકો પાસેથી એક ટોળકી દ્વારા 1 કરોડ જેટલી રકમ ખંખેરી લેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં 4 ઈસમો વિરુદ્ધ પોલીસ ખાતામાં નોકરી આપી અને 40 યુવકો પાસેથી રૂપિયા 1.4 કરોડ ખંખેરી લેવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના બાદ પોલીસે ગાંધીનગર પુનિત વન પાસેથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ ઈસમો પાસેથી આઠ મોબાઇલ ફોન, નોકરીના ઓર્ડરો, ડુપ્લીકેટ આઈ કાર્ડ, કાર તેમજ રોકડ રકમ મળી કુલ. 5.46 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ બાબતની ફિરયાદ સુરતમાં રહેતા એક પત્રકાર દ્વારા નોંધાવવામાં આવી હતી. જેના બાદ પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

(આરોપી પૂજા પાઠક)

આ ઘટનાની ફરિયાદ સુરતના કામરેજમાં આવેલા સુરભી રેસીડેન્સીમાં રહેતા અને સુરત ગ્રાહક ચેતના સાપ્તાહિકમાં પત્રકાર તરીકેની ફરજ બજાવી રહેલા 20 વર્ષીય પ્રતાપ કૈલાશભાઈ જાટ દ્વારા નોંધાવવામાં આવી હતી. તેમને પોલીસમાં નોકરી આપવાની લાલચ આપીને રૂપિયા 3.50 લાખનું ફુલેકુ ફેરવી દેવામાં આવ્યું હતું જેના બાદ તેમને સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પત્રકારે સિદ્ધાર્થ હિતેશભાઈ પાઠક, પૂજા વિજયભાઈ ડાહ્યાભાઈ જાદવ, મહેશ્વરી જગદીશભાઈ જાખરીયા, રાહુલ ચંદુભાઈ લલ્લુવાડીયા તેમજ કલ્પેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ લોકોએ પોલીસ ખાતામાં ઓળખાણ ધરાવે છે અને તેને પોલીસ ખાતામાં નોકરી અપાવશે તેવા વિશ્વાસમાં લઈને તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.

(આરોપી સિદ્ધાર્થ પાઠક, પૂજાનો પતિ)

આ બાબતે પોલીસ દ્વારા આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેના બાદ પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ સેક્ટર 19 ના પુનિત વન પાસે સ્વિફ્ટ કારમાં છે. જેના બાદ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.

આ બાબતે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેકટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થ પાઠક તેમજ તેની પત્ની પૂજા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ છે તેમ જણાવી નોકરી ઇચ્છુક યુવકો અને તેના પરિવારને વિશ્વાસમાં લઈને પૈસા પડાવતા હતા. તેમજ પંજાબમાં રહેતા તેમના મિત્ર અરિજિતસિંહ મારફતે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકરીઓના નકલી સહી સિક્કા વાળા નિમણુંક પત્રો તેમજ અલગ અલગ રેન્કના આઈકાર્ડ પણ બનાવી આપતા હતા.

(આરોપીઓની ગાડી)

આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં 40 જેટલા નોકરી ઇચ્છુક ઉમેદવારો પાસેથી કુલ 1.4 કરોડ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે.પોલીસે આ ઘટનામાં સિદ્ધાર્થ દેશ પાઠક તેની પત્ની પૂજા તેમજ રાહુલ લલ્લુ વાડીયા અને મહેશ્વરી જાખરીયાની ધરપકડ પણ કરી અને પુછપરછ શરૂ કરી છે.

Niraj Patel