Woman Files Dowry Complain Against Nri Husband : ગુજરાતમાંથી ઘણીવાર પરણિતાઓ પર સાસરિયાના અત્યાચાર કે દહેજ માંગવાના કિસ્સા સામે આવે છે, ત્યારે થોડા સમય પહેલા જ એક ગાંધીનગરની યુવતિ કે જે NRI મૂરતિયાને પરણી હતી અને તે બાદ તે અમેરિકા જવાના સપનાં જઇ રહી હતી, તેને પતિ દ્વારા તરછોડી દેવાની ઘટના સામે આવી છે. હોમિયોપથીનો અભ્યાસ કરતી યુવતીના લગ્ન 30 ડિસેમ્બર 2022ના રોજ હાલ અમેરિકા રહેતા અને ગાંધીનગરના સરગાસણના રોબિન પટેલ સાથે થયા હતા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
NRI પતિ અને તેના પરિવારે તો યુવતિની જિંદગી બરબાદ કરી નાખી. જે બાદ આખરે કંટાળી પરણિતાએ પતિ અને નણંદ સહિતના સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાટ ગામમાં રહેતી અને હોમિયોપેથીના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી યુવતીના લગ્ન ગત ડિસેમ્બરમાં સરગાસણના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા યુવક સાથે થયા હતા.
જ્યારે યુવતિ લગ્ન બાદ સાસરે ગઇ ત્યારે તેની નણંદ અવારનવાર કહેતી કે તું ગવાર છે, તને તો આજના સમય પ્રમાણે રહેતા પણ નથી આવડતુ. જો કે પછી તેઓ અમેરિકા જતાં રહ્યા અને 13 જાન્યુઆરીએ યુવતીનો પતિ પણ અમેરિકા જતો રહ્યો. તેણે ત્યાંથી ફરિયાદી યુવતીની ફાઈલ પણ મૂકી હતી. જો કે અમેરિકા ગયા બાદ પતિનો વ્હોટસઅપ કોલ આવ્યો અને તેણે કહ્યું કે, તારા પિતાએ દહેજમાં કંઈ આપ્યું નથી, તારે અમેરિકા આવવા માટે ખર્ચ કરવો પડશે.
જે બાદ ફરિયાદી પરણિતાના પતિએ અમેરિકામાં સિટીઝનશિપ અને ગ્રીન કાર્ડ મેળવવા માટે 1 કરોડનો ખર્ચ માંગ્યો અને આ ખર્ચ આપવાની યુવતિએ ના પાડતા તેણે ડિવોર્સની માંગ કરી. ફરિયાદીનો પતિ અને સાસુ તેમજ મામાજી અને ફૂઆજી તેમજ ફોઈજી દહેજની માંગણી કરતા અને ફરિયાદી યુવતિને ત્રાસ આપતા હતા. જે બાદ આખરે કંટાળેલી પરણિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.