ગાંધીનગરમાં આ જગ્યા પી શકાશે દારૂ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટછાટને લઇને સરકારનો મોટો નિર્ણય, હવેથી ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ

ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે, પણ ઘણીવાર રેડમાં ધમધમતા અડ્ડા પરથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવામાં આવે છે, આ ઉપરાંત કેટલીકવાર વાહનોમાંથી પણ દારૂ જપ્ત થવાની ઘટના બનતી હોય છે. જો કે, હાલમાં સરકારે દારૂને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં જે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે, જે ભારતની સૌપ્રથમ સ્માર્ટસિટી છે.

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ

ત્યાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને ગુજરાત સરકાર દ્વારા લિકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે. સરકારે પ્રેસનોટ જાહેર કરી કહ્યુ કે, ગિફ્ટ સિટીએ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ સ્થપાયેલી છે,

‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી

તે માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં લીકરનું સેવન કરી શકાશે. આ ઉપરાંત કંપની દ્વારા ઓથોરાઇઝ મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવાની જોગવાઈ કરવામાં આવશે.

રાજકારણ ગરમાયુ

જો કે, વેચાણ કરવાની પરવાનગી આપવામાં આવી નથી, એટલે કે લીકરનું સેવન કરી શકાશે પણ વેચાણ કરી શકાશે નહીં. ત્યારે હવે આ મામલે રાજકારણ પણ ગરમાયુ છે. દારૂની છૂટ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, અત્યંત દુ:ખ સાથે કહેવું પડે છે કે આપણું ગુજરાત, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીને પાછલા બારણે છટૂ આપવા જે પરેવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે તેનાથી હું વ્યથિત છું.

Shah Jina