લોકો પૈસા કમાવવા માટે કેવા કેવા પેતરા કરે છે ? જુઓ ગાંધીનગરમાં માસુમ દેખાતા આ બાળકે પૈસા પડાવવા નવી રીત અપનાવી, વાયરલ થયો વીડિયો

આજે દરેક વ્યક્તિ એવું વિચારે છે કે તેની પાસે અઢળક પૈસા હોય, જેનાથી તે પોતાના અને પોતાના પરિવારના મોજશોખ પુરા કરી શકે. ઘણા લોકો એવા પણ હોય છે જે આખો દિવસ ભરપૂર મહેનત કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, તો ઘણા લોકો ખોટા કામ કરીને પણ પૈસા કમાવવાનું વિચારતા હોય છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક નાનું બાળક લોકોની ભાવનાઓ સાથે રમત રમી અને પૈસા કમાવવાની નવી તકનીક અપનાવતો જોવા મળે છે.

આજના સમયમાં ઘણા લોકો એવા છે જે હવે રસ્તા ઉપર ભીખ માંગતા લોકોને પૈસા નથી આપતા અને તેમને ખાવાનું આપે છે. ઘણા ગરીબ બાળકો રસ્તા ઉપર પેટ ભરવા માટે નોટો, ચોપડીઓ, માસ્ક અને રમકડાં જેવી વસ્તુઓ પણ વેંચતા હોય છે, તો કોઈ ખાણીપીણીનો સામાન પણ વેંચતા હોય છે. ઘણા લોકો આવા બાળકો પાસે ના જરૂર હોવા છતાં પણ સામાન ખરીદે છે કારણ કે તેમને મદદ મળી જાય.

પરંતુ હાલ ગાંધીનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમને પણ આવા બાળકો પાસે કોઈ વસ્તુ ખરીદવાનું મન નહીં થાય. વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક બાળકના ચણા ચોર ગરમ રસ્તા ઉપર ઠાલવાયેલા પડ્યા છે. આ દૃશ્ય જોઈને કોઈને પણ તે બાળકને મદદ કરવાની ઈચ્છા થઇ આવે.

પરંતુ જયારે આ બાળકની હકીકત સામે આવે છે ત્યારે લોકો પણ હેરાન રહી જાય છે. આ બાળક જાણી જોઈને રસ્તા ઉપર પોતાનો સામાન ફેંકી દે છે. જેના કારણે કોઈ તેને મદદ કરે. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક બહેન જણાવે છે તેમને ગઈકાલે જ આ બાળકનો સામાન પડેલો જોઈને તેને 500 રૂપિયાની મદદ કરી હતી, પરંતુ આજે તે આ રસ્તે પાછા જઈ રહ્યા હતા ત્યારે ફરીથી તેનો સામાન પડેલો જોયો અને તે તેની પાસે આવ્યા ત્યારે કોઈ બીજા બહેન તેને 500 રૂપિયાની મદદ કરી રહ્યા હતા.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી આ ઘટના ગાંધીનગરના રિલાયન્સ સર્કલથી ઘ-0 સર્કલ તરફ જતા દરમિયાનની છે. વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આ રીતે પૈસા કમાવવા આ લોકોની મોટી ગેંગ ચાલે છે અને લોકોને ભાવનાત્મક રીતે બ્લેકમેઇલ કરીને તેમની પાસે પૈસા પડાવવાનું કૌભાંડ પણ ચાલે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઉપરાંત પણ કોમેન્ટની અંદર ઘણા બધા લોકો પોતે નજરે જોયેલી ઘટનાઓ અને પોતાના સાથે બનેલી આપવીતીને પણ વર્ણવી રહ્યા છે. વાયરલ વીડિયોની અંદર પણ ત્યાં ઉભા રહેલા બંને બહેનો પોતાની વાત જણાવે છે. વીડિયોની અંદર આગળ જોવા મળી રહ્યું છે કે તે બાળક રડતો હોય છે અને બાદમાં પોતાનો સામાન ત્યાં જ નાખીને ચાલ્યો જાય છે.

Niraj Patel