લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે એ કહેવત સાર્થક થઇ ગાંધીનગરમાં, ભુવાએ ભેંસ પચાવી પાડી અને રૂપિયા લેવા ગયો પરિવાર તો વિધિના નામ પર 62 હજાર ખંખેર્યા

ગાંધીનગરમાં પરિવાર પર માતા મૂકી છે એવી ધમકી આપીને અંધશ્રદ્ધાના નામ પર ખંખેરી લીધા અધધધ રૂપિયા, ભેંસ પણ ગુમાવી

આજે ભલે ટેક્નોલોજી કેટલીય આગળ વધી ગઈ હોય, પરંતુ આપણા દેશમાં આજે પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ ઠેર ઠેર જોવા મળે છે. ઘણા લોકો આજે પણ અંધશ્રદ્ધામાં ફસાઈને હજારો લાખો રૂપિયાનું નુકશાન પણ કરતા હોય છે. ત્યારે તેમના કિસ્સા સામે આવતા જ ઉહાપો પણ મચી જતો હોય છે. હાલ ગાંધીનગરમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં ભુવાએ અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને 62 હજાર અને ભેંસ લૂંટી લીધા.

આ મામલો સામે આવ્યો છે ગાંધીનગરમાં આવેલા ડભોડામાંથી. જ્યાં એક પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બન્યો છે. પરિવારને માતાજીનો ડર બતાવીને ભુવો તેમની પાસેથી ભેંસ લઇ ગયો હતો અને જયારે 62 હજારની કિંમતની આ ભેંસના પૈસા લેવા માટે પરિવાર ભુવા પાસે પહોંચ્યો તો પરિવારે ભેંસ મરી ગઈ છે તો પૈસા શેના એમ કહીને આનાકાની કરી હતી.

એટલું જ નહિ ભુવાએ માતા મૂકી છે અને તંત્ર મંત્ર કરવા પડશે એમ કહીને વિધિ કરવાના નામ પર 62 હજાર રૂપિયા રોકડા તેમજ સોનાના પગરખાં પડાવી લીધા હતા. જેના બાદ આ ભુવો રફુચક્કર થઇ જતા પરિવારને છેતરાયાની અનુભૂતિ થતા ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ કરી છે.

ભુવાએ જયારે ઘરમાં તંત્ર મંત્ર વિધિ કરી હતી ત્યારે પરિવાર દ્વારા તેનો વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો હતો. જેને હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો છે. આ તાંત્રિકે પરિવાર પર માતા મૂકી છે અને તેના માટે વિધિ કરવી પડશે તેમજ સોનાનું જુતુ જતું કરવું પડશે એમ કરીને તેમની પાસેથી રૂપિય પડાવ્યા હતા.

Niraj Patel