1 એપ્રિલથી સામાન્ય માણસને પડશે મોંઘવારીનો માર, જાણો કઈ કઈ વસ્તુઓના કારણે વધશે તમારા ખિસ્સાઓનો ભાર

દેશભરમાં હાલ મોંઘવારીનો માર ચાલી રહ્યો છે, રોજ રોજ કોઈ એવી ખબર આવે છે જેના કારણે સામાન્ય માણસની ચિતામાં વધારો થતો જાય છે. પેટ્રોલ ડીઝલ, ગેસ અને તેલના ભાવ આસમાને પહોંચ્યા બાદ આવતી કાલે એટલે કે 1 એપ્રિલથી પણ સામાન્ય જનતાને વધુ મોંઘવારીના ભાર નીચે દબાવવાની તૈયારી રાખવી પડશે.

સરકારે 1 એપ્રિલથી એલ્યુમિનિયમ ઓર અને કોન્સન્ટ્રેટ પર 30 ટકા આયાત જકાત લાદી છે. તેનો ઉપયોગ ટીવી, એસી અને ફ્રીજ માટે હાર્ડવેર બનાવવા માટે થાય છે. કાચા માલના મોંઘા સપ્લાયને કારણે કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને તેનો સીધો બોજ ગ્રાહકો પર પડશે. આ સિવાય કોમ્પ્રેસરમાં વપરાતા પાર્ટ્સ પર પણ આયાત ડ્યૂટી વધારવામાં આવી છે, જેના કારણે રેફ્રિજરેટરની કિંમતમાં વધારો થશે.

સરકારે LED બલ્બ બનાવવામાં વપરાતી સામગ્રી પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીની સાથે 6 ટકા રિઇમ્બર્સમેન્ટ ડ્યુટી વસૂલવાનું કહ્યું છે. 1 એપ્રિલથી તેનો નવો નિયમ લાગુ થયા બાદ LED બલ્બ પણ મોંઘા થઈ જશે. સરકારે ચાંદી પરની આયાત ડ્યૂટીમાં પણ ફેરફાર કર્યો છે, જેના કારણે ચાંદીના વાસણો અને તેનાથી બનેલા ઉત્પાદનો પણ 1 એપ્રિલ પછી મોંઘા થઈ જશે. આ ઉપરાંત સ્ટીલની વસ્તુઓ પર પણ મોંઘવારીનો માર પડશે અને આવતીકાલથી સ્ટીલના બનેલા વાસણો મોંઘા થશે.

સરકારે મોબાઈલ ફોન બનાવવા માટે વપરાતા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર પણ કસ્ટમ ડ્યુટી લગાવી છે. એટલે કે બહારથી આ ઉત્પાદનોની આયાત હવે મોંઘી થશે, જેની અસર કંપનીઓના ઉત્પાદન ખર્ચ પર પડશે. અમેરિકન ફર્મ ગ્રાન્ટ થ્રોન્ટનના જણાવ્યા અનુસાર સરકારના આ નિર્ણયની સીધી અસર ગ્રાહકો પર પડશે અને મોબાઈલની કિંમતો વધી શકે છે. આ ઉપરાંત હેડફોન અને વાયરલેસ ઈયરબર્ડ પણ મોંઘા થશે.

અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને ફ્રી અનલિમિટેડ ડેટા અને કોલિંગની સુવિધા આપતી હતી. તેઓ આ સેવાઓ 31 માર્ચે સમાપ્ત કરશે. આવી સ્થિતિમાં, 4G માર્કેટમાં વધતી સ્પર્ધા વચ્ચે, આવા ગ્રાહકોએ હવે ટેરિફ પ્લાન પસંદ કરવો પડશે અને તેના પર મોબાઇલ ચલાવવાની કિંમત પણ અજાણતાં વધી જશે.

બજેટમાં સ્માર્ટફોનને લગતી ઘણી પ્રોડક્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં મોબાઈલ ચાર્જર, ટ્રાન્સફોર્મર, કેમેરા લેન્સ મોડ્યુલ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. નવી ડ્યુટી લાગુ થયા બાદ સંબંધિત ઉત્પાદનોની કિંમતો નીચે આવી શકે છે. સરકારે સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડના કેટલાક ભાગો પરની એક્સાઈઝ ડ્યૂટી પણ ઘટાડી છે, જેના કારણે એપ્રિલથી આ પ્રોડક્ટ્સ થોડી સસ્તી થઈ શકે છે.

Niraj Patel