ઉત્તરાખંડ બસ અકસ્માતમાં ભાવનગરના પરિવારના મોભીનું થયું નિધન, પાંચ બાળકો બન્યા નોધારા, 16 વર્ષની દીકરીનું હૈયાફાટ રુદન જોઈને તો કાળજું કંપી ઉઠશે

Uttarakhand Accident : થોડા દિવસ પહેલા ઉત્તરાખંડમાં બનેલી એક અકસ્માતની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું. જેમાં ભાવનગરથી ચાર ધામ યાત્રાએ ગયેલા પરિવારને એક અકસ્માત નડ્યો હતો અને બસ ઊંડી ખીણમાં ખાબકી, જો કે સદનસીબે એક ઝાડ વચ્ચે આવી જવાના કારણે બસ અટકી ગઈ હતી અને તેના કારણે મોટી જાનહાની ટળી હતી, પરંતુ તે છતાં 7 લોકોના મોત નિપજ્યા અને 28થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ગામમાં સર્જાયા કરુણ દૃશ્યો :

7 લોકોના મોતના કારણે ભાવનગરમાં પણ માતમ છવાઈ ગયો છે, ત્યારે મૃતદેહો ગામમાં આવતા જ પરિવારજનો અને ગ્રામજનોના હૈયાફાટ રુદન સામે આવી રહ્યા છે. ત્યારે આવા જ કરુણ દૃશ્યો ભાવનગરના તળાજાના પાદરી ગામમાંથી પણ સામે આવ્યા છે. જ્યાંના રહેવાસી ગીગાભાઇ ભમ્મર પણ ચારધામની યાત્રાએ ગયા હતા અને આ ગમખ્વાર અકસ્માતમાં તેમનું પણ મોત થયું, ત્યારે તેમનો મૃતદેહ ગામમાં આવતા જ તેમના પરિવાર અને ગામમાં માતામ છવાયો હતો.

5 સંતાનોના પિતાનું મોત :

ગીગાભાઇને 3 દીકરીઓ અને બે દીકરાઓ હતા અને તેઓ તેમના પરિવારમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હતા. ગીગાભાઇની સૌથી મોટી દીકરી 16 વર્ષની છે જયારે તેમનો સૌથી નાનો દીકરો 4 વર્ષનો છે. પિતાના નિધન બાદ પાંચેય બાળકો નોધારા બન્યા છે. પિતાના મૃતદેહને જોતા જ 16 વર્ષની દીકરીનું હૈયાફાટ રુદન કોઈના પણ કાળજા કંપાવી દે તેવું હતું. ત્યારે ગ્રામજનો અને તેમના સગા વહાલા બાળકોને સાંત્વના અપાવતા પણ જોવા મળ્યા હતા.

પાંચ બહેનો વચ્ચે હતો એકમાત્ર ભાઈ :

બીજી એક દુઃખદ વાત એ પણ છે કે ગીગાભાઇ પણ પાંચ બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતા. ત્યારે રક્ષાબંધન પહેલા જ ભાઈના મોતથી બહેનોને પણ આઘાત લાગ્યો છે. આ અકસ્માત ત્યારે સર્જાયો હતો જયારે યાત્રિકો ગંગોત્રી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયો હતો. જેમાં ડ્રાઈવરથી વળાંક કપાઈ ના શક્યો અને બસ ખીણમાં ખાબકી હતી. ખીણમાં સદનસીબે મોટા વૃક્ષની ઓથ મળી જતાં બસ વધારે ગબડતાં અને વધારે ઊંડી ખીણમાં ખાબકતાં બચી ગઈ હતી, નહીં તો બસમાં બેઠેલા મોટાભાગના યાત્રિકો મોતને ભેટ્યા હોત.

Niraj Patel