રાજકોટની આ 8 ચારણ બહેનોનો ભાઇ છે બ્રિટિશ યુવાન, કોઇ પણ પ્રસંગ હોય ભાઇની ફરજ નિભાવવા સાત સમુદ્ર પાર આવી આપે છે હાજરી

8 ચારણ બહેનોનો અંગ્રેજ ભાઈને મળો, સાત સમુંદર પાર કરી મામેરું કહે છે, જોરદાર સ્ટોરી આવી સામે

એવું કહેવાય છે કે લોહીના સબંધો કરતા હ્રદયના સબંધો વધારે મજબૂત હોય છે. લોહીના સબંધો તો એકવાર તો પણ દગો દઈ જાય છે પરંતુ દિલના સબંધો ક્યારેય દગો નથી આપતા. આ કહેવતને સાર્થક કરતી એક કહાની રંગીલા રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટની 8 બહેનોનો એક વિદેશી યુવક ભાઇ છે અને આ ભાઇ તે બહેનોનો સગો ભાઇ નહિ પણ માનીતો ભાઇ છે. 8 બહેનોનો આ વિદેશી ભાઇ દરેક પ્રસંગે ચોક્કસ હાજરી આપે છે અને મામેરું પણ કરે છે તેમજ દર વર્ષે રક્ષાબંધને રાખડી પણ બંધાવે છે. ભાઇ તો ઠીક પણ ભાભી પણ સવાઈ છે.

ચારણ પરિવારની આઠેય બહેનોને ભાઈ-ભાભી ખુબ જ પ્રેમ કરે છે અને વાર તહેવારને નવા કપડા અને ગિફ્ટ્સ પણ આપે છે. આ યુવકનું નામ રોઝન છે, જે બ્રિટિશ નાગરિક છે. તે વર્ષોથી આઠ ચારણ બહેનો સાથે સગા ભાઈથી પણ વિશેષ સંબંધ નિભાવે છે. રોઝનની દીકરીનું નામ પણ ચારણ બહેનોના નામ પર રાજી પાડ્યું, તો બીજી દિકરીનુ નામ આ બહેનોએ હેમી રાખ્યું. રોઝન ગુજરાતી પણ બોલે છે અને ચારણ જાતિની બોલી પણ બોલે છે. બહેન-ભાઇનો છેલ્લા 2 દાયકાથી એટલે કે 20 વર્ષથી સંબંધ અતૂટ છે.

આ ભાઇ-બહેનનો સંબંધ કેવી રીતે થયો તે વિશે જણાવી એ તો, આ બ્રિટશ યુવાન ભારતને જાણવા અહીં આવ્યો હતો અને એ સમયે તેનો પરિયચ દુધ આપવા આવતા ધનાભાઈ સાથે થયો. તે ઘનાભાઇ સાથે એવો જોડાઇ ગયો કે તેણે ધનાભાઈની આઠેય દિકરીઓને પોતાની બહેન માની. ધનાભાઈને પુત્ર નથી પણ રોઝને ક્યારેય દીકરાની ખોટ વર્તાવવા નથી દીધી. તેણે ઘરની બધી જવાબદારી ઉઠાવી. મોટી બહેન લક્ષ્મી કહે છે કે સગોભાઈ જેટલું ના કરે એટલું તો આ ભાઈ કરે છે, તે એક પણ રક્ષાબંધન પણ નથી ભૂલતો.

આઠ બહેનો લક્ષ્મીબેન, નાથીબેન, ધાકીબેન, દેવીબેન, પાલિબેન, રાજીબેન, આલિબેન, બુધીબેનના લગ્નમાં પણ તેણે તેની પત્ની એટલે કે આ બહેનોની ભાભી સાથે આવી ખરીદી કરાવી હતી અને કપડાથી લઈને ઘરેણા સુધીની બધી જ વસ્તુઓ લઈ દીધી હતી. લક્ષ્મીબેનને લગ્નના 15 વર્ષ સુધી સંતાન ન હતું પણ જ્યારે તેમના ત્યાં દીકરાનો જન્મ થયો તો અધૂરા મહિને ડીલિવરી થઇ હોવાથી બાળકને સાચવવું અને તેની કાળજી લેવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

આવા સમયે પણ ભાઈ ભાભી બંને ઇંગ્લેન્ડથી રાજકોટ આવ્યા અને એક મોટો ફ્લેટ ભાડે રાખી છ મહિના સુધી તેની અને દીકરાની સેવા કરી. લક્ષ્મીબેન કહે છે કે ભાભી તો સગી માને પણ ભુલાવી દે તેવા છે. રોઝન ભાઈ લક્ષ્મીબેનને કહે છે કે, તારા દીકરાને મારે તો અભ્યાસ માટે ઇંગ્લેન્ડ લઈ જવો છે. આ બ્રિટિશ યુગલ ચારણ પરિવારમાં આવે ત્યારે પરંપરાગત પહેરવેશ પણ પહેરે છે અને તેમની ભાષા પણ બોલે છે. આ ઉપરાંત તેમનો ખોરાક પણ હોંશે હોંશે ખાય છે. રોઝન જવતલ હોમવાથીથી માંડીને મામેરા ભરવા સુધીના બધા જ પ્રસંગ ખુશી ખુશી નિભાવે છે.

સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

Shah Jina