IND vs NZ: ઈડન ગાર્ડનમાં એવુ તે શું થયું કે રોહિત શર્માને કહેવુ પડ્યું, હવે વિશ્વાસ આવી ગયો…

ટી-20 સિરીઝમાં કિવિઝને 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ કેપ્ટન રોહિત શર્મા ઘણો ખુશ છે. તેણે પૂંછડીના બેટ્સમેનોના યોગદાનની પ્રશંસા કરી છે. ભારતીય કેપ્ટને કહ્યું કે અન્ય ટીમોમાં આઠમા નંબરના અને નવમા નંબરના બેટ્સમેનો સારું યોગદાન આપે છે અને ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચે તેનો વિશ્વાસ મજબૂત કર્યો કે હવે તેમની પાસે ઉપયોગી પૂંછડી બેટ્સમેન પણ છે.

રોહિતે 56 રનની શાનદાર ઇનિંગ્સ સાથે સારી શરૂઆત કરી હતી, પરંતુ ભારતીય મિડલ ઓર્ડર ખોરવાઈ ગયો હતો. આવી સ્થિતિમાં, પૂંછડીના બેટ્સમેનોએ ઉપયોગી યોગદાન આપ્યું હતું અને છેલ્લી પાંચ ઓવરમાં 50 રન ઉમેર્યા હતા, જેના કારણે ભારતે સાત વિકેટે 184 રન બનાવ્યા અને પછી ન્યુઝીલેન્ડને 111 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું.

મેચ બાદ રોહિતે કહ્યું, અમે મધ્યમ ઓવરોમાં સારું પ્રદર્શન કરી શક્યા હોત, પરંતુ અમારા નીચલા ક્રમના બેટ્સમેનોએ જે રીતે બેટિંગ કરી તેનાથી હું ખુશ છું. તેણે કહ્યું, જો તમે વિશ્વભરની ટીમો પર નજર નાખો તો તેમની પાસે સારી બેટિંગલાઈલ છે, નીચલા ક્રમમાં પણ બેટ્સમેન સારૂ પ્રદર્શન કરે છે. આઠમા અને નવમા નંબરના બેટ્સમેન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે હર્ષલ પટેલ હરિયાણા માટે રમે છે, ત્યારે તે ઓપનિંગ કરે છે. આપણે દીપક ચહર વિશે જાણીએ છીએ કે તેણે શ્રીલંકામાં શાનદાર બેટિંગ કરી હતી.

સિરીઝમાં 159 રન બનાવીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયેલા રોહિતે કહ્યું કે ટોસ જીતીને પહેલા બેટિંગ કર્યા બાદ સારી શરૂઆત કરવી ખૂબ જ જરૂરી હતી. તેણે કહ્યું, જ્યારે પણ હું બેટિંગ કરવા આવુ છું ત્યારે મારું ધ્યાન સારી શરૂઆત કરવા પર જ હોય છે. એકવાર તમે પીચની સ્થિતિ જાણી લો અને પરિસ્થિતિઓને સમજો, પછી તમે જાણો છો કે બેટ્સમેન તરીકે તમારે શું કરવાની જરૂર છે. અક્ષર પટેલે નવ રન આપીને ત્રણ વિકેટ લીધી, જે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

અક્ષરે કહ્યું, હું હવે બેટ્સમેનોના મનને વાંચવાનો પ્રયાસ કરી રહ્યો છું. વિકેટ પણ મદદ કરી રહી હતી, તેથી આજે મેં બોલ ટર્ન પણ કરાવ્યો. આ વર્ષની શરૂઆતમાં મેં સારું ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને પછી આઈપીએલમાં પણ સારુ પ્રદર્શન રહ્યું. હવે મારી નજર ટેસ્ટ શ્રેણી પર છે. ન્યુઝીલેન્ડના સ્ટેન્ડ-ઇન કેપ્ટન મિચેલ સેન્ટનરે ભારતને જીત માટે લાયક ગણાવ્યું, પરંતુ એમ પણ કહ્યું કે તેમની ટીમ નિયમિત કેપ્ટન કેન વિલિયમસનને મીસ કરી રહી છે, જેને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો.

YC