મોંઘવારીથી પરેશાન જનતાને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર (એલપીજી)ની કિંમતમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકારે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સબસિડી ઉજ્જવલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને આપવામાં આવશે. પહેલી ઓગસ્ટના રોજ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
મોદી સરકારે આપી ગૃહિણીઓને રક્ષાબંધન પર રાહત
જો કે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નહોતો. ઓગસ્ટની પહેલી તારીખે રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી. ત્યાં એલપીજી સિલિન્ડરની કિંમત મુંબઈમાં 1102.50 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.50 રૂપિયા હતી. પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. સરકારના જણાવ્યા અનુસાર, ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરની કિંમત 200 રૂપિયા સસ્તી થશે.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રાંધણ ગેસ પર મળશે 200 રૂપિયા સબસીડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે જ સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ રાંધણ ગેસ પર સબસિડીનો લાભ મળશે. અન્ય કોઈને રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે નહીં. ઉજ્જવલા યોજના હેઠળ, સરકાર પહેલાથી જ 200 રૂપિયાની સબસિડી આપતી હતી. હવે 200 રૂપિયાની વધારાની સબસિડી મળશે.
PMની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓ એક વર્ષમાં કુલ 12 રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી મેળવી શકે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ હેઠળ સરકાર ગરીબી રેખા (BPL)થી નીચેના પરિવારોને મફત રસોઈ ગેસ કનેક્શન આપે છે. સબસિડી મેળવવા માટે તમારે તમારો આધાર નંબર LPG કનેક્શન સાથે લિંક કરવો પડશે. સબસિડી મેળવવા માટે, તમારું આધાર ગેસ કનેક્શન સાથે લિંક હોવું આવશ્યક છે.
14.2 કિલોના એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળે છે. માર્ચ 2023 સુધીના સરકારી ડેટા મુજબ, સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ મફત રાંધણ ગેસ કનેક્શન્સનું વિતરણ કર્યું હતું. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે 14.2 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરવામાં આવે છે. દેશમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર 1 માર્ચ, 2023ના રોજ થયો હતો.