છેલ્લા 12 વર્ષથી દર્શકોને ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. માત્ર આ શો જ નહિ પરંતુ શોના દરેક પાત્રો પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે, ઘણા પાત્રોની જગ્યા નવા પાત્રો દ્વારા લેવામાં આવી છે, અને આ પાત્રો પણ ચાહકોની પસંદ બની ગયા છે.
પરંતુ આ શોનું એવું એક પાત્ર છે જેને હજુ સુધી કોઈએ રિપ્લેસ પણ નથી કર્યું અને ચાહકો પણ આ પાત્રમાં બીજા કોઈને જોવા પણ નથી માંગતા. આ પાત્ર છે શોમાં જેઠાલાલની પત્ની દયાબેનનું.
દયાબેનના પાત્રને અભિનેત્રી દિશા વાંકાણી નિભાવી રહ્યા હતા. તેઓ મેટરનિટી લિવ ઉપર ગયા બાદ હજુ સુધી શોમાં પરત નથી ફર્યા. જો કે શોના નિર્માતાઓ દ્વારા ઘણીવાર તેમને પાછા લાવવા વિશેની ખબરો પણ આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ખબરમાં પૂરતું તથ્ય જોવા નથી મળ્યો.
એવામાં ચાહકો પણ દયાબેન આ શોમાં જલ્દી જ પરત ફરે તેની રાહ કોઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ તારક મહેતાના ડાયરેક્ટર માલવ રાજદાને એક ચાહક દ્વારા દયાબેનને લઈને સવાલ પણ પૂછવામાં આવ્યો અને તેનો જવાબ પણ માલવ રાજદાએ આપ્યો હતો.
માલવ રાજદાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર ચાહકે કોમેન્ટ કરીને લખ્યું કે “મહેરબાની કરીને નવી દયાબેનને લઈને આવો સર. આટલી રાહ જોઈને પણ ફાયદો શું થશે ? તમે જ વિચારો, બિચારા ચાહકો ક્યારની રાહ જોઈ રહ્યા છે દયા માટે.”
માલવ રાજદાએ આ કોમેન્ટનો જવાબ આપ્યો હતી અને રિપ્લાયમાં લખ્યું હતું કે, “હું બધારે બોલીશ તો નવો ડાયરેક્ટર લઇ આવશે. આ બધું મારા હાથમાં નથી. હું ફક્ત શોનો ડાયરેક્ટર છું. કલાકારો અને બીજી વસ્તુઓ સાથે જોડાયેલા નિર્ણય હું નથી લઇ શકતો. પરંતુ જે થાય છે તે સારા માટે થાય છે.”
તમને જણાવી દઈએ કે 2017માં મેટરનિટી લિવ લીધા બાદ દયાબેન શોમાં ફક્ત એક જ વાર જોવા મળ્યા છે. ત્યારે ચાહકોને લાગતું હતું કે તે શોમાં પાછા આવી ગયા છે. પરંતુ ત્યારબાદ દિશાના પતિએ ખુલાસો કર્યો હતો કે તે એક જ એપિસોડ માટે શોમાં જોવા મળી છે.