નથી રહ્યા મશહૂર ફિલ્મ ડાયરેક્ટર, સની દેઓલની ફિલ્મથી શરૂ કર્યુ હતુ બોલિવુડ કરિયર

હિન્દી અને મલયાલમ ફિલ્મોના જાણિતા દિગ્દર્શક સંગીત સિવાનનું નિધન થયું છે. સંગીત સિવાને તેમના કરિયરમાં ઘણી સારી ફિલ્મો કરી હતી. જેમાં તુષાર કપૂરની ‘ક્યા કૂલ હૈ હમ’ અને રિતેશ દેશમુખની ‘અપના સપના મની મની’ સામેલ હતી. દિગ્દર્શકના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે, સંગીત સિવાનના નિધનનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. 65 વર્ષીય દિગ્દર્શકના નિધનથી કલાકારો અને ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.

અભિનેતા રિતેશ દેશમુખે ડિરેક્ટરને યાદ કરીને શોક વ્યક્ત કર્યો છે. ફોટો શેર કરતા અભિનેતાએ લખ્યું, ‘હું ખૂબ જ દુઃખી છું અને આ જાણીને આઘાત અનુભવું છું કે સંગીત સિવાન સર હવે આ દુનિયામાં નથી. એક નવા કલાકાર તરીકે, તમે ઈચ્છો છો કે કોઈ તમારામાં વિશ્વાસ કરે અને તમને ચાન્સ આપે, ક્યા કૂલ હૈ હમ અને અપના સપના મની મની માટે હું તેમનો પૂરતો આભાર પણ ના માની શક્યો.

આજે મારું હૃદય તૂટી ગયું છે.તેમના પરિવાર, નજીકના લોકો, પત્ની, બાળકો અને ભાઈઓ પ્રત્યે દિલથી સંવેદના. હું તમને મિસ કરીશ ભાઈ અને તમારી હસીને પણ.’ સંગીત સિવાન મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તે તેમની ફિલ્મ ‘યોદ્ધા’ માટે જાણીતા છે. તેમના પિતા પણ મલયાલમ સિનેમાનું મોટું નામ હતા. સંગીતના ભાઈઓ સંતોષ સિવાન અને સંજીવ સિવન પણ ફિલ્મ નિર્માતા છે.

સંગીત સિવાન તુષાર કપૂર અને શ્રેયસ તલપડે સાથે હોરર કોમેડી ફિલ્મ ‘કપકપી’ બનાવી રહ્યા હતા.આ ફિલ્મના પોસ્ટર અને નામની જાહેરાત માર્ચ 2024માં કરવામાં આવી હતી. તેની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી. દિગ્દર્શક સંગીત સિવાનના આકસ્મિક નિધનને કારણે આ પ્રોજેક્ટ અધૂરો રહી ગયો.

સંગીત સિવાને તેમની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘રાખ’થી કરી હતી, જેમાં આમિર ખાન અને પંકજ કપૂર મહત્વની ભૂમિકામાં હતા. તેમણે આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું, ત્યારબાદ તેમણે સની દેઓલની ફિલ્મ ‘ઝોર’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

Shah Jina