જન્માષ્ટમી પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આપી ચાહકોને ગુડ ન્યુઝ

બોલિવૂડમાં હાલ ખુશખબરીઓનો સિલસિલો ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા આલિયાએ પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી અને તાજેતરમાં બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે પણ જાહેરાત કરી હતી કે તેઓ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. ત્યારે હવે આલિયા અને બિપાશા બાદ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ એક સારા સમાચાર શેર કર્યા છે. તેઓએ હાલમાં જ અલીબાગમાં એક નવું ઘર ખરીદ્યું છે, જેની તસવીરો રણવીરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવુડનું ફેમસ અને ફેવરેટ કપલમાંનું એક છે. તેમની કેમિસ્ટ્રીથી લઈને તેમની દરેક વસ્તુની લગભગ દરરોજ ચર્ચા થાય છે. દીપિકા અને રણવીરને ઈન્ડસ્ટ્રીનું બેસ્ટ કપલ પણ કહેવામાં આવે છે. બંને એકબીજા સાથે સુંદર બોન્ડ શેર કરે છે અને તેની ઝલક તેમના સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. તાજેતરમાં જ કપલે અલીબાગમાં એક નવું ઘર ખરીદ્યું, જેની તસવીરો રણવીરે શેર કરી છે.

બોલિવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને દુનિયાભરમાં તેમના ચાહકો પ્રેમથી દીપવીર કહે છે. આ કપલે મુંબઈ નજીક અલીબાગમાં તેમના વૈભવી ઘરમાં ગૃહ પ્રવેશ પૂજા કરી હતી. આ પ્રાઈવેટ સેરેમનીમાં દીપવીર સાથે તેના પરિવારના સભ્યો પણ હતા. એક તસવીરમાં રણવીર અને દીપિકા ગૃહપ્રવેશની પૂજા કરતા જોવા મળે છે.

તો બીજી તસવીરમાં હવન કુંડ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત એક તસવીરમાં કલશ અને એક તસવીરમાં બંને આરતી કરતા પણ જોવા મળી રહ્યાં છે. એક તસવીરમાં કપલ એકબીજાનો હાથ પકડીને બેઠું છે અને એક તસવીરમાં બંને ઘરનો મુખ્ય દરવાજો ખોલતા જોવા મળે છે પરંતુ તેમાં માત્ર તેમનો હાથ જ દેખાય છે. જો કે, બંનેના ચહેરા કોઈ પણ ફોટામાં સામેથી દેખાતા નથી. રણવીરે આ તસવીરો સાથે કોઈ કેપ્શન નથી લખ્યું કેટલાક ઇમોજી મૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ સમાચાર આવ્યા હતા કે રણવીર-દીપિકાએ મુંબઈમાં એક નવું ઘર ખરીદ્યું છે જેની કિંમત 119 કરોડ છે. જો કે, એવું કહી શકાય નહીં કે જે ઘરમાં આ કપલ પ્રવેશી રહ્યું છે તે ઘર એ જ છે. જુલાઈમાં આવેલા અહેવાલો અનુસાર, રણવીર અને તેના પિતાની કંપનીએ બાંધકામ હેઠળની હાઉસિંગ સોસાયટીમાં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે જે બિલ્ડિંગના 16 થી 19 માળ સુધી ફેલાયેલું છે.

રણવીર દીપિકાના આ ઘરનો કાર્પેટ એરિયા 11,266 સ્ક્વેર ફૂટ હોવાનું કહેવાય છે, જેમાં અલગ 1300 સ્ક્વેર ફૂટ એક્સક્લુઝિવ ટેરેસ છે. મુંબઈના બીજે રોડ, બેન્ડસ્ટેન્ડ, બાંદ્રામાં બનેલું આ ઘર એ જ વિસ્તારમાં છે જ્યાં બોલિવૂડના મોટા સ્ટાર્સ શાહરૂખ ખાન અને સલમાન ખાનના ઘર છે.

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ એપાર્ટમેન્ટ માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં માત્ર 7.13 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. બંને સ્ટાર્સની ફિલ્મોની વાત કરીએ તો રણવીર હવે ડિસેમ્બરમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં જોવા મળશે. તેમજ દીપિકા હવે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે.

Shah Jina