બોલિવૂડની શાંતિ એટલે કે દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગહેરાઇયાં’ તાજેતરમાં રિલીઝ થઈ હતી. સંબંધોના તાંતણે વણાયેલી આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી અને તેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણની આગામી ફિલ્મોમાં શાહરૂખ ખાન સાથે પઠાણ અને હૃતિક રોશન સાથે ફાઈટરનો સમાવેશ થાય છે. પરંતુ આ વચ્ચે તેનો એક ઈન્ટરવ્યુ આજકાલ હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે તેને મળેલી ખરાબ અને સારી સલાહ વિશે માહિતી આપી છે. એક ઈન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે પોતાના જીવનની સૌથી ખરાબ સલાહ વિશે જણાવ્યું.
દીપિકાએ કહ્યું કે જ્યારે તે માત્ર 18 વર્ષની હતી ત્યારે એક વ્યક્તિએ તેને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. તે વખતે તે નાની હતી અને તેને નવાઈ લાગે છે કે આ વાતને ગંભીરતાથી ન લેવાની સમજ તેને ક્યાંથી મળી ? એટલું જ નહીં, દીપિકાએ તેને મળેલી શ્રેષ્ઠ સલાહ વિશે પણ વાત કરી. દીપિકાના કહેવા પ્રમાણે, તેને સૌથી સારી સલાહ શાહરૂખ ખાન તરફથી મળી હતી.
દીપિકા પાદુકોણના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાને તેને હંમેશા એવા લોકો સાથે કામ કરવાની સલાહ આપી હતી જેને તમે જાણો છો કે તમે તેમની સાથે સારો સમય પસાર કરશો. કારણ કે જ્યારે તમે કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યા છો, ત્યારે તે જ સમયે તમે તમારું જીવન જીવી રહ્યા છો. તમારી યાદો અને અનુભવો પણ બનાવો છો.
દીપિકા પાદુકોણ બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાની મહેનતના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું સ્થાન હાંસિલ કર્યું છે. દીપિકાની ગણતરી આજે ઈન્ડસ્ટ્રીની ટોપ મોસ્ટ અને હાઈએસ્ટ પેઈડ અભિનેત્રીઓમાં થાય છે.