વિશ્વની 40 મહિલાઓને પાછળ છોડી વડોદરાની દીકરીએ સેલિબ્રિટી મોડેલિંગ મિસિસ ઇન્ટરનેશનલ 2022નો તાજ પોતના નામે ર્ક્યો

ગુજરાતમાંથી ઘણીવાર એવી એવી ગૌરવપૂર્ણ ઘટનાઓ સામે આવે છે, કે બધાની છાતી ગર્વથી ફૂલાઇ જાય. હાલમાં જ વડોદરાની એક દીકરીએ વડોદરા સહિત ગુજરાત અને દેશભરનું નામ રોશન કર્યુ છે. વડોદરા શહેરની ફેશન ડિઝાઇનર દર્શિના બારોટે મિસિસ ગુજરાત 2021નો તાજ પોતાને નામ કર્યો હતો અને પછી મિસિસ બેસ્ટ પર્સનાલિટી 2021નો તાજ પણ જીત્યો હતો. તે બાદ હવે CLM (સેલિબ્રિટી મોડેલિંગ મિસિસ) ઇન્ટરનેશનલ 2022નો તાજ તેણે પોતાના નામે કર્યો છે.

કિશુ ચાવલા દ્વારા આયોજિત CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022 વિશે માહિતી આપતા ફેશન ડિઝાઈન દર્શિના અતિત બારોટે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના સમા વિસ્તારમાં તેનો બુટીક સ્ટુડિયો છે. તેણે BSC(હોમ સાયન્સ)નો અભ્યાસ MSUમાંથી કર્યો છે. ગયા વર્ષે તેની બહેન અને તેની ફ્રેન્ડએ મિસિસ ગુજરાત 2021માં તેની ઇચ્છાથી ફોર્મ ભર્યુ હતુ. તે લોકોનું કહેવુ છે કે, દર્શિનાની પર્સનાલિટી પ્રમાણે તેને આવા પ્રકારના કોન્ટેસ્ટમાં ભાગ લેવો જોઇએ.

તે લોકોના કહેવા અનુસાર દર્શિનાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મિસિસ ગુજરાત 2021નો તાજ પોતાના નામે કર્યો હતો.  આ સાથે સાથે તેણે મિસિસ બેસ્ટ પર્સનાલિટી 2021નો તાજ પણ જીત્યો હતો. જે બાદ તેની પસંદગી CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022માં થઇ હતી. આ સ્પર્ધામાં ભારત, નાગાલેન્ડ, શ્રીલંકા અને તિબેટ જેવા દેશોમાંથી 40 મહિલાએ ભાગ લીધો હતો. જે સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં 9 મહિલાની પસંદગી થઇ હતી.

38 વર્ષની ઉંમરે આ બધી મહિલાઓને પાછળ છોડીને દર્શિના બારોટે CLM મિસિસ ઇન્ટરનેશનલનો તાજ જીત્યો હતો. દર્શિના આગળ જણાવે છે કે, પતિ, બહેન, મિત્ર અને પરિવારના સહાય તેમજ આત્મવિશ્વાસથી તેણે જીવનના ઘણા પડાવો પાર કર્યા છે. એપ્રિલ-મે 2022 માં મિસિસ ઇન્ડિયા ધ ગ્રેન્ડ બ્યૂટી 2022ના વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધામાં પણ તેણે ભાગ લીધો છે.

દર્શિના જણાવે છે કે, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તેણે એટલા બધા ટાઇટલ પોતાના નામે કર્યાં છે અને તેને એવી આશા પણ છે કે તે મિસિસ ઈન્ડિયા ધ ગ્રેન્ડ બ્યૂટી 2022નો તાજ પણ જીતશે. આ સાથે જ તે આવનારા સમયમાં શહેરની મહિલાઓ માટે ફેશન શોનું આયોજન પણ કરવાની ઇચ્છા ધરાવે છે. દર્શિના બારોટે જણાવ્યું કે, મહિલા જન્મથી જ સક્ષમ હોય છે પરંતુ તે પરિવારને વધુ મહત્વ આપે છે.

જેને કારણે લોકો એવું સમજે છે કે મહિલા બીજા પર નિર્ભર હોય છે. મહિલાને સફળ થવા માટે ઉંમરની મર્યાદા નથી નડતી. મહિલાઓએ હિંમત અને લગનથી કાર્ય કરવાની આવશ્યકતા છે. દરેક પત્નીએ પતિની ઇચ્છાનું માન રાખવું જોઇએ પણ તેની સાથે પોતાની પસંદનું કાર્ય કરવા માટે હંમેશા આગળ આવવું જોઇએ. કારણ કે, પોતાની પસંદનું કાર્ય કરવાથી ચોક્કસ પણે સફળતા પ્રાપ્ત થશે.

Shah Jina