ગુરુ હરિચરણ દાસના અંતિમ દર્શને પહોંચ્યો ક્રિકેટર ચેતેશ્વર પુજારા, આંખોમાં આંસુઓ સાથે આપી ચીર વિદાય, જુઓ તસવીરો

આજે વહેલી સવારે 4 વાગે રાજકોટના ગોંડલ સ્થિત પ્રસિદ્ધ રામજી મંદિરના સંત 1008 મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસજી મહારાજના દેવલોક પામ્યા. જેના સમાચાર મળતા હજારો ભક્તો દુઃખી દુઃખી થઇ ગયા. મહારાજના દેવલોક પામ્યાના સમાચાર સાંભળીને  મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

આજે સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જેના બાદ ભક્તો અંતિમ દર્શન માટે આવી પહોચ્યા હતા, મહારાજના પાર્થિવ દેહને આવતીકાલ સવારે ગોરા આશ્રમ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા પણ મહારાજના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.

ચેતેશ્વર પુજારાએ પોતાના પરિવાર સાથે મહારાજના અંતિમ દર્શન કર્યા હતા. પુજારા જયારે પણ ભારતીય ટીમ માટે ક્રિકેટ રમવા જાય છે એ પહેલા તે હરિચરણ બાપુના આશીર્વાદ જરૂર લે છે. પોતાના ઘરમાં આવતા શુભ પ્રસંગોએ પણ પુજારા અચૂક બાપુના દર્શને આવતા હતા, ગુરુપૂર્ણિમાના પાવન તહેવાર નિમિત્તે પણ પુજારા બાપુના આશીર્વાદ લઈને તેમની આરતી ઉતારી પૂજા અર્ચના કરતા હતા.

પુજારા અને તેમના પરિવારને બાપુમાં ખુબ જ શ્રદ્ધા અને વિશ્વાસ હતો, બાપુના અંતિમ દર્શન સમયે આવેલા પુજારાની આંખોમાં એ દુઃખ સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. પુજારા અને તેમના પરિવારે બાપુને શાલ ઓઢાડીને તેમના અંતિમ દર્શન કર્યા હતા. પૂજારાએ બાપુના અંતિમ દર્શન કર્યા બાદ મીડિયા સાથે પણ વાત કરી હતી.

તેમને જણાવ્યું હતું કે, “નાનપણથી જ મહારાજશ્રીના મારા ઉપર આશીર્વાદ રહ્યા છે. મારા માતાપિતા અને દાદા-દાદી પહેલેથી જ તેમના ભક્ત હતા. એમનું મારા જીવનમાં જે માર્ગદર્શન રહ્યું છે તેના માટે હું તેમનો ખૂબ ખૂબ આભારી છું. આગળ જતા પણ તેમના સંસ્કાર અમને કામ લાગશે. એમને સંત તરીકે જગતનું જે કલ્યાણ કર્યું છે તેમના આપણે આભારી છીએ.”

બાપુનું મૂળ નામ હરિશ્ચંદ્ર મિસરા હતું. તેમનો જન્મ 1921 માં ચૈત્ર સુદ 6 ના દિવસે બિહારના પંજરવામાં થયો હતો. તેઓ 1955 માં એટલે કે છેલ્લા 70 વર્ષથી પૂ. ગુરુદેવ રણછોડદાસજી મહારાજની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન કરતા હતા. લગભગ તેમણે 34 વર્ષની ઉંમરે આશ્રમનું સંચાલન સંભાળ્યું હતું. સરિયો નદીના કિનારે ભજન કરતા પૂ. સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.

Niraj Patel